સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરમાં 80 વર્ષથી યુવાનો સળગતા અંગારા પર ખુલ્લા પગે મશાલ રાસ-ગરબા રમે છે

જામનગરમાં 80 વર્ષથી યુવાનો સળગતા અંગારા પર ખુલ્લા પગે મશાલ રાસ-ગરબા રમે છે

જામનગર: નવરાત્રીના પર્વમાં ગુજરાતમાં મા શક્તિની આરાધના અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જામનગરના રણજીત નગરમાં પટેલ યુવક ગરબી મંડળના યુવાનો છેલ્લા 80 વર્ષથી પરંપરાગત પહેરવેશમાં સળગતા અંગારા પર ખુલ્લા પગે અને હાથમાં સળગતી મશાલ લઈને રાસ-ગરબા રમે છે.

આ ગરબી શહેરની સાંસ્કૃતિક ઓળખનો ભાગ બની ગઈ છે. પેઢી દર પેઢી આ પરંપરા આગળ ધપાવવામાં આવી છે. અહીં મશાલ રાસ, અંગારા રાસ, તલવાર રાસ, દાતારદાન રાસ અને કાંબી રાસ જેવા વિવિધ પ્રકારના રાસ-ગરબા જોવા મળે છે.

સૌથી વધુ આકર્ષણ અંગારા રાસનું છે, જેમાં યુવાનો સળગતા અંગારા વચ્ચે ખુલ્લા પગે પરંપરાગત કલા રજૂ કરે છે. હાથમાં મશાલ પ્રગટાવીને રમાતો મશાલ રાસ પણ લોકોને રોમાંચિત કરે છે. આ પ્રદર્શન જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

કાઠિયાવાડી પરંપરાગત પોશાક, લોકસંસ્કૃતિ અને રાસની અનોખી શૈલીને કારણે નવરાત્રી દરમિયાન આ કાર્યક્રમ જામનગરમાં મુખ્ય આકર્ષણ રહે છે. આધુનિક ગરબાના યુગમાં પણ આ પ્રાચીન પરંપરા તેની અલગ ઓળખ જાળવી રાખે છે.

(સાથે ઇનપુટ્સ: દિવ્યેશ વાયડા – જામનગર)