સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગર: ભાજપ કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર દરોડો, 19,522 વિદેશી દારૂની બોટલ જપ્ત

જામનગર: ભાજપ કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર દરોડો, 19,522 વિદેશી દારૂની બોટલ જપ્ત

જામનગરમાં રાજકોટ હાઇવે પર આવેલી માનસી હોટલ પાછળના એક ગોડાઉનમાં પંચકોશી એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ દરોડા વખતે સ્થળ પર દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. કુલ ₹53.78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ કાર્યવાહી અનુસાર જે ગોડાઉનમાંથી દારૂ મળ્યો તે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના ભાજપ કોર્પોરેટર મંજુબેન બાંભણિયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાએ ભાડે રાખ્યો હોવાનું સામે આવ્યું છે. આ વિગત સામે આવતાં જ રાજકીય વર્તુળોમાં અને ભાજપની અંદર ચર્ચા શરૂ થઈ છે.

પંચકોશી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આઇ. એ. ઘાસુરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણિયા પોતાના કબજામાંના ભાડાના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું કટિંગ અને હેરાફેરી કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન સ્થળ પરથી ત્રણ વાહનો અને ડ્રાઇવર ધર્મેશભાઇ નવલભાઇ યાજ્ઞિકને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે ગોડાઉન અને વાહનોમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ 19,522 બોટલો, જેની કિંમત ₹40,68,517 છે, તેમજ ત્રણ વાહનો અને મોબાઇલ ફોન, જેની કિંમત ₹13,10,000 છે, મળીને કુલ ₹53,78,517નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપી ધર્મેશ યાજ્ઞિકની કડક પૂછપરછમાં જાણવા મળ્યું કે તેના મિત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાએ વેચાણ માટે બહારથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને અન્ય 9 ઇસમોને વેચાણ માટે આપ્યો હતો. પોલીસે કોર્પોરેટરના પુત્ર હિતેશ સહિત કુલ 10 લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે કોર્પોરેટરના પુત્ર સામે અગાઉ પણ દારૂ સંબંધિત ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

બીજી તરફ પાટણ જિલ્લા પોલીસે બે દિવસ પહેલાં ‘ઓપરેશન ક્લીન સ્વીપ’ હેઠળ કાર્યવાહી કરી હતી. વહેલી સવારે 6 વાગ્યે ખાનગી બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે યોજના ઘડીને પાટણ તાલુકાના ધારપુર, બોરસણ અને શંખારી ગામોમાં આવેલા દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. પોલીસની પાંચ અલગ-અલગ ટીમોએ સતત બે કલાક સુધી આ સઘન ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં દેશી દારૂના અડ્ડાઓ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવામાં આવ્યા હતા.

દરોડા વખતે દારૂના અડ્ડા ચલાવતા આરોપીઓ સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ પોલીસ ટીમોએ તેમને પકડવા માટે ચક્રગતિમાન કર્યા છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ જિલ્લામાંથી દેશી દારૂના અડ્ડાઓ સમેટી લેવા માટે આ ‘ઓપરેશન ક્લીન સ્વીપ’ આગામી લાંબા સમય સુધી સતત ચાલુ રાખવામાં આવશે.