જામનગર જિલ્લાના કાલાવડમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે શીતળા માતાજી મંદિર પાસેના રહેણાંક મકાનમાં દરોડો પાડીને શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રવૃત્તિ પકડી પાડી છે.
SOGની ટીમ કાલાવડ ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કાનજીભાઈ ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણીના રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો પર્દાફાશ થયો છે.
દરોડા દરમિયાન આશરે 1200 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી તથા 75 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. SOG દ્વારા આ અંગે ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી અધિકારીએ સ્થળ પર પહોંચીને શંકાસ્પદ દૂધ અને અન્ય સામગ્રીના નમૂના લીધા હતા અને નિયમ મુજબ તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારબાદ ફૂડ સેફ્ટી અધિકારીની હાજરીમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી તથા પાવડરના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ મામલે સંબંધિત ધંધાર્થી સામે ખાદ્ય સલામતી અને ધોરણોના કાયદા હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.