જામનગરમાં એક સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી ઊંચા વ્યાજે નાણાં આપી બળજબરીપૂર્વક ગેરકાયદે વસૂલાત કરવાનો આરોપ સામે આવ્યો છે. આ મામલે પોલીસકર્મી અજયસિંહ ઝાલા સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ઘટનાની ગંભીરતા જોતાં સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.
ફરિયાદી કોન્ટ્રાક્ટરના આક્ષેપ મુજબ, તેમની પાસેથી રૂપિયા 2 કરોડના ચેક મેળવી જાણી જોઈને બાઉન્સ કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ કાયદાકીય નોટિસ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત ધમકી આપીને નોટરાઇઝ્ડ લખાણો કરાવી લેવાનો પણ આરોપ છે. ફરિયાદી પાસે વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ અને આંગણિયાની પહોંચ સહિતના પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
માહિતી અનુસાર, કોન્ટ્રાક્ટરે રૂપિયા 50 લાખની લોન લીધી હતી, જેના બદલામાં તેમણે 1 કરોડ રૂપિયાથી વધુ ચૂકવી દીધા હતા. તેમ છતાં તેમની પાસેથી વધુ 2 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉઘરાણી કરવામાં આવી રહી હતી. આ ત્રાસથી કંટાળીને કોન્ટ્રાક્ટરે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. રજૂઆતની ગંભીરતા ધ્યાનમાં લઈને આઇજી દ્વારા તાત્કાલિક SITની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
SITમાં સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા અને રાજકોટ જિલ્લાના અનુભવી પોલીસ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેથી તપાસ નિષ્પક્ષ અને ઝડપી ગતિએ આગળ વધે. આરોપીઓના ઘર સહિતના સ્થળોએ તપાસ કામગીરી હાથ ધરવામાં આવશે અને આસપાસના વિસ્તારોમાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે. સંબંધિત લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલ સુરેન્દ્રનગર બદલી થયેલા પોલીસકર્મી અજયસિંહ મહાવીરસિંહ ઝાલા સહિત ચાર સામે આ આરોપો મૂકવામાં આવ્યા છે. પોલીસ ખાતાના કર્મચારીની સંડોવણી સામે આવતાં પંથકમાં ચકચાર મચી છે. SITની તપાસ બાદ વધુ ખુલાસા થવાની શક્યતા છે.