સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરમાં દિવાળી પહેલા ફૂડ ચેકિંગ: 82 પેઢીઓની તપાસ, 11 સામે કાર્યવાહી, 60 હજાર દંડ

જામનગરમાં દિવાળી પહેલા ફૂડ ચેકિંગ: 82 પેઢીઓની તપાસ, 11 સામે કાર્યવાહી, 60 હજાર દંડ

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દિવાળી તહેવાર પહેલાં શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા ચકાસવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનો સહિત કુલ 82 પેઢીઓની ચકાસણી કરવામાં આવી છે.

તપાસ દરમિયાન અસ્વચ્છતા અને અનહાઇજીનિક રીતે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી 11 પેઢીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ પેઢીઓ પાસેથી કુલ રૂ. 60,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.

ફૂડ શાખાની ટીમે તપાસ દરમિયાન 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો છે. આ ઉપરાંત, ટોટલ પોલાર કમ્પાઉન્ડ (TPC) વધારે હોય તેવા 30 કિલો તેલ અને 3 લીટર સુગર સીરપ જપ્ત કરવામાં આવ્યા છે.

ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે કુલ 58 સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલી આ કાર્યવાહીમાં ખંભાળિયા બાયપાસ સહિત નવરાત્રી મહોત્સવના ફૂડ સ્ટોલ્સ પર પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ સ્ટોલ્સમાંથી 8 કિલો પ્રિન્ટેડ પસ્તી અને અખાદ્ય સામગ્રીનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

મનપાની ફૂડ શાખા દ્વારા દિવાળી દરમિયાન ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આ ચેકિંગ ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવી રહી છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વેપારીઓને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.