સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે વિરોધ, યોગ્ય વળતર અને જમીન અધિકારોની માંગ

જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે વિરોધ, યોગ્ય વળતર અને જમીન અધિકારોની માંગ

જામનગર જિલ્લામાં ટ્રાન્સમિશન ટાવર અને વીજ લાઈનની કામગીરી સામે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. 30 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને ધરણા યોજ્યો હતો. ખેડૂતોનો મુખ્ય મુદ્દો ટ્રાન્સમિશન ટાવર માટે મળતા વળતર, જમીનના બજારભાવ અને વારંવાર અપાતી વહીવટી નોટિસો સામે છે.

ખેડૂતોની મુખ્ય માંગ છે કે ટાવર ઊભા કરવા માટે જમીનનું યોગ્ય અને સંપૂર્ણ વળતર બજારભાવ આધારિત આપવામાં આવે. તેમણે ચીમકી આપી છે કે લેખિતમાં સંમતિ વિના જમીનમાં એક પણ થાંભલો નાખવા દેવાશે નહીં. વીજ લાઈનથી ખેતીની જમીન પર થતી અસર અને જીવના જોખમને કારણે પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જમીનના રેકોર્ડમાં રહેલી ભૂલો સુધારવાની અને વહીવટી નોટિસો તાત્કાલિક બંધ કરવાની પણ તેમની માંગણી છે.

આ આંદોલન દરમિયાન ખેડૂતોએ બાકી પાક વીમાનું વળતર ચૂકવવા, જામનગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા અને ₹3 લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની પણ માંગણીઓ કરી હતી. ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે જો વહેલી તકે આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લાના ખેડૂતોનું મહાસંમેલન બોલાવીને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. નિયમમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.