સત્ય. સાહસ. સંકલ્પ.

દુષ્કાળની અસર: જામનગરના ખેડૂતે પાક નિષ્ફળ જતાં આપઘાત કર્યો, બળદ આશ્રમમાં મૂકવા પડ્યા

દુષ્કાળની અસર: જામનગરના ખેડૂતે પાક નિષ્ફળ જતાં આપઘાત કર્યો, બળદ આશ્રમમાં મૂકવા પડ્યા

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામના 47 વર્ષીય ખેડૂત હેમંત મકવાણાએ પાક નિષ્ફળ જવા અને આર્થિક તંગીના કારણે 29 ઓક્ટોબરની રાત્રે પોતાની વાડીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેમના પરિવારમાં પત્ની અને નાના બાળકો છે.

મૃતકના નાના ભાઈ રાજુભાઈ મકવાણાએ જણાવ્યું કે, મંડળીના ધિરાણનું દેવું અને પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું તેની ચિંતા તેમને સતાવી રહી હતી. આ વર્ષે નબળા ચોમાસાને કારણે મગફળીનો પાક બગડી ગયો હતો. પશુઓ માટે નીરણની અછત ઊભી થતાં તેમણે થોડા સમય પહેલાં પોતાના બે બળદ સદ્ભાવના આશ્રમમાં મૂકવા પડ્યા હતા. બળદોને વિખૂટા પાડતી વખતે તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.

ગુજરાત સરકારે ચાર દિવસ પહેલાં રાજ્યના ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે અને ખેડૂતોને હેક્ટર દીઠ આશરે રૂ. 8,500ની સહાય જાહેર કરી છે. જોકે વાવડી ગામના સરપંચ ભાવેશ મકવાણાએ જણાવ્યું કે, ખેડૂતોને પૂરતી સરકારી સહાય કે ધિરાણ માફીનો લાભ મળ્યો નથી. તેમણે સરકારને ખેડૂતોની વેદના સમજીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 15 જિલ્લાના 45 તાલુકામાં 40%થી 70% સુધી વરસાદની ઘટ છે, છતાં તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. સૌથી વધુ ઘટ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 70.12% નોંધાઈ છે.