જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે રહેણાંક મકાન પર દરોડો પાડીને ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રવૃત્તિ ઝડપી પાડી છે. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 486 લિટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધનો પાવડર જપ્ત કર્યો છે.
જામનગર પોલીસ સ્ટાફ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે હરિપર મેવાસા ગામે મેરૂભાઈ બધાભાઈ વંશ નામના શખસ પોતાના રહેણાંક મકાનમાં ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો, જ્યાં શંકાસ્પદ દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SOGએ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ દૂધના નમૂના લઈને સીલબંધ કરીને કબજે કર્યા હતા. ત્યારબાદ શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને દૂધના પાવડરના જથ્થાનો યોગ્ય પદ્ધતિથી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગે મેરૂભાઈ વંશ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.