જામનગર જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ હવે માત્ર વિપક્ષ કોંગ્રેસ પૂરતી સીમિત નથી રહી. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ પણ આ માંગ સરકાર સમક્ષ મુક્તપણે રજૂ કરી રહ્યા છે. ખેડૂતો પાક નુકસાનીનું સર્વેક્ષણ, આર્થિક સહાય અને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.
આ વર્ષે ચોમાસામાં અલ નીનોની અસરને કારણે જામનગર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક તાલુકાઓમાં વરસાદની ભારે અછત જોવા મળી હતી. વરસાદ ઓછો પડતાં ખેતી પર વિપરીત અસર થઈ છે અને પાણીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે.
ગુજરાતના ભૂતપૂર્વ કૃષિ પ્રધાન અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે પોતાના જ પક્ષની ગુજરાત સરકાર સમક્ષ જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે વરસાદની અછતને કારણે ખેતી અને પાણીની સ્થિતિ અંગે ગંભીર ચિંતા છે. ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે માટે સરકાર યોગ્ય સહાય પેકેજ જાહેર કરે તેવી પણ તેમણે રજૂઆત કરી છે.
અગાઉ જોડિયા સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ પાક નુકસાની અને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ કરી હતી. રાઘવજી પટેલે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી છોડવાની પણ રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે પહેલાં ભાજપના ધારાસભ્યો પોતાના મતવિસ્તારની સમસ્યાઓ જાહેરમાં ઉઠાવતા અચકાતા હતા. હવે તેઓ પ્રજાજનોની સમસ્યાઓને વાચા આપવા મેદાનમાં આવી રહ્યા છે. જામનગરમાં દુષ્કાળની માંગને લઈને ખેડૂતો અને સ્થાનિક લોકોમાં સતત દબાણ વધી રહ્યું છે.