જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવાળી, પડતર દિવસ અને બેસતા વર્ષના ત્રણ દિવસ દરમિયાન ફટાકડાની આતશબાજીને કારણે આગના નાના-મોટા કુલ 116 બનાવો નોંધાયા હતા. આટલી મોટી સંખ્યામાં કંટ્રોલ રૂમમાંથી કોલ મળતાં જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગની ટીમે રાત-દિવસ દોડધામ કરી તમામ સ્થળોએ સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા અગાઉથી જ કરવામાં આવેલા આયોજનના ભાગરૂપે શહેરને 9 સેક્ટરમાં વહેંચીને ફાયર ફાઇટરો તૈનાત કરવામાં આવ્યા હોવાથી તમામ બનાવોમાં ત્વરિત પ્રતિસાદ શક્ય બન્યો હતો. આ સમગ્ર બચાવ કામગીરી દરમિયાન સદનસીબે કોઈપણ સ્થળે જાનહાનિ નોંધાઈ નથી.
ફાયર વિભાગે સમયબદ્ધ કટોકટી આયોજન અમલમાં મૂક્યું હતું. ટીમે માત્ર 1 મિનિટનો ટર્નઆઉટ ટાઈમ અને ઘટનાસ્થળે પહોંચવા માટે મહત્તમ 4 મિનિટની સમયમર્યાદા નક્કી કરી કામગીરી કરી હતી. ત્રણ દિવસ દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા અલગ-અલગ પંપહાઉસમાંથી પાણીના 125 થી વધુ ફેરા કરીને આશરે 7,50,000 લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મોટા ભાગના 101 સ્થળોએ એક ટેન્કરથી આગ બુઝાવી લેવાઈ હતી, જ્યારે 15 સ્થળોએ આગ વિકરાળ હોવાથી 2 થી 3 ટેન્કરો કામે લગાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાલસુરા રોડ પર આવેલી રોજી વીડીમાં લાગેલી મોટી આગને JMCના 4 ટેન્કર અને INS વાલસુરાના 1 ફાયર ફાઈટરના સંયુક્ત પ્રયાસથી કાબૂમાં લેવાઈ હતી.
બચાવ કામગીરી દરમિયાન 112 ઈમરજન્સી નંબર મારફતે મળેલા કોલ પર ફાયર ટીમે બે અલગ-અલગ રહેણાક મકાનોમાં લાગેલી આગ પર ઝડપી કાબૂ મેળવ્યો હતો. સાધના કોલોની ગેટ નંબર 1 પાસે મકાનના પ્રથમ માળે લાગેલી આગમાં ધુમાડાના કારણે બેભાન બનેલા શાહનવાઝભાઈ ખીરાને ફાયર જવાનોએ સચેત રીતે જીવિત રેસ્ક્યૂ કરી 108 એમ્બ્યુલન્સ મારફતે G.G. હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની તબિયત સુધારા પર છે.
આ ઉપરાંત નાગનાથ નાકા અંબાજી ચોક પાસે ત્રીજા માળે લાગેલી આગને પણ કોઈ જાનહાનિ વિના સંપૂર્ણ બુઝાવી દેવામાં આવી હતી. ફાયર વિભાગની આ ત્વરિત અને સુસજ્જ કામગીરીના કારણે દિવાળીના તહેવારોમાં જામનગરમાં મોટી જાનમાલની હોનારત ટળી હતી.