જામનગરના રવિનું વર્ષો જૂનું સપનું પૂરું થવાનું હતું. તેણે કઠોર પરિશ્રમથી પૈસા એકઠા કરીને નવી બુલેટ ખરીદી હતી. આ ખુશી તે પોતાના માતા-પિતા સાથે શેર કરવા માંગતો હતો, જેઓ કાલાવડના ધોરાજી રોડ પર આવેલા કૃષ્ણનગરમાં રહેતા હતા. તેમના પિતા ધીરજલાલ ઉર્ફે મહેતાજી મોહનભાઇ મારકણા અને માતા હંસાબેન. કૂળદેવીમાં અતૂટ આસ્થા ધરાવતા રવિને મનમાં એમ હતું કે હું માતા-પિતાને મળવા આવું અને માતાજીના દર્શન પણ કરી આવું.
6 એપ્રિલ, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે રવિ જામનગરથી 50 કિલોમીટર દૂર આવેલા કાલાવડમાં પોતાના માતા-પિતાના ઘરે પહોંચ્યો. રવિ એકલો જ આવ્યો હતો. તેની પત્ની રીંકલ અને 6 વર્ષનો પુત્ર જામનગરમાં તેના ઘરે જ હતા. રવિને એકલો આવેલો જોઇને માતા-પિતાને કોઇ નવાઇ ન લાગી કેમ કે તેમને કારણની ખબર હતી. કારણ હતું પતિ-પત્ની વચ્ચેનો ખટરાગ. માતા-પિતા રવિ અને તેની પત્ની રીંકલ વચ્ચેની સ્થિતિથી સારી રીતે વાકેફ હતા એટલે તેમણે કંઇ પૂછવાને બદલે રવિની ખુશીમાં ખુશ થવાનું યોગ્ય માની લીધું. રવિએ ખરીદેલી નવી બુલેટ જોઇને માતા-પિતા રાજી થયા. ત્યારબાદ ત્રણેય કાલાવડના બામણ ગામે કૂળદેવીના મંદિરે દર્શન કરવા ગયા. રવિએ પોતાની નવી બુલેટ સાથે લીધી, જ્યારે તેના માતા-પિતા કારમાં નીકળ્યા હતા.
મંદિરેથી દર્શન કરીને બપોરે પોણા બારેક વાગ્યા સુધીમાં બધા ઘરે પાછા આવી ગયા હતા. ત્યારબાદ દીકરો રવિ માતા-પિતા સાથે તેમને ત્યાં જમ્યો હતો. બપોરે ચારેક વાગે રવિ જામનગર જવા નીકળ્યો હતો કારણ કે તેની પત્ની અને દીકરો ઘરે એકલા હતા અને તે દિવસ આથમે તે પહેલાં જામનગર પહોંચી જવાની તેની ગણતરી હતી.
રવિ જ્યારે પણ માતા-પિતાને મળીને પાછો જામનગર જતો ત્યારે દરવખતે ઘરે પહોંચ્યા બાદ ફોન કરીને જાણ કરતો કે 'હું ઘરે પહોંચી ગયો છું'. પરંતુ આજે તે કાલાવડથી જામનગર ઘરે જવા નીકળ્યો તેને દોઢ કલાક જેટલો સમય જવા છતાં તેનો કોઇ ફોન નહોતો આવ્યો. એટલે માતા-પિતા ચિંતામાં મૂકાઇ ગયા. તેમણે સામેથી રવિને ઘણીવાર ફોન કર્યા પણ એકેય ફોન રિસીવ જ ન થયો. જેથી તેમની ચિંતા વધી ગઇ.
દીકરો ગમે તેટલો મોટો થઇ જાય પરંતુ માતા-પિતા માટે તે હંમેશા નાનો જ રહેતો હોય છે. કોઇ વાતે રવિનો પત્તો ન લાગતા તેના માતા-પિતા પોતાની કાર લઇને કાલાવડથી જામનગરમાં રવિના ઘરે પહોંચ્યા. ત્યાં જઇને જોયું તો રવિ હજુ સુધી પોતાના ઘરે પહોંચ્યો નહોતો. રવિના પિતા ધીરજભાઇએ પુત્રવધુ રીંકલને પૂછ્યું પણ તેણે કોઇ યોગ્ય જવાબ ન આપ્યો. જેથી ધીરજભાઇ અકળાઇ ગયા હતા. આટલામાં જ ધીરજભાઇનો મોબાઇલ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર જમાઇ પ્રશાંતનું નામ હતું. ધીરજભાઇએ કોલ રિસીવ કર્યો એ સાથે જ પ્રશાંતે કહ્યું કે રવિનું એક્સિડન્ટ થયું છે, તેને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. તમે તરત જ ત્યાં પહોંચો.
જમાઇએ આપેલા આ સમાચારથી ધીરજભાઇ અને હંસાબેન ભાંગી પડ્યા. જો કે ઢીલા પડવાના બદલે તેમણે તરત જ સ્વસ્થતા કેળવી લીધી અને દીકરાની શું હાલત છે તે જોવા માટે હોસ્પિટલ જવા રવાના થઇ ગયા. રસ્તામાં બન્ને મનોમન પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન અમારા દીકરાને કંઇ ન થાય તે જોજે, તેને બચાવી લેજે પણ કુદરતને કંઇક જુદું જ મંજૂર હતું. બન્ને જેવા હોસ્પિટલ પહોંચ્યા અને જોયું તો રવિ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરતાં જ ધીરજભાઇ અને હંસાબેને કલાકોથી જાળવી રાખેલી હિંમત ખોઇ બેઠાં. બન્ને રડવા લાગ્યા. એમાં પણ માતા હંસાબેનના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલની દીવાલો ધ્રુજી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ પહોંચી ગઇ હતી.
હવે આગળ શું થવાનું હતું તે જાણતા પહેલાં ફ્લેશબેકમાં જઇને રવિ અને તેના પરિવાર વિશે જાણીએ. કાલાવડમાં રહેતા ધીરજભાઇ ઉર્ફે મહેતાજી મોહનભાઇ મારકણા ખેતીકામ કરતા અને ઘરે બેસીને નામું લખવાનું કામ કરતા. જેથી તેમની ઓળખ આખા વિસ્તારમાં મહેતાજી તરીકેની હતી. કોઇપણ વ્યક્તિ તેમને ધીરજભાઇ કરતાં મહેતાજીના નામથી વધુ ઓળખતી. ધીરજભાઇને સંતાનમાં બે દીકરી અને એકનો એક દીકરો હતો. બન્ને દીકરીઓના લગ્ન જામનગરમાં કર્યા હતા. સૌથી નાનો દીકરો રવિ હતો.