જમ્મુમાં રવિવારે ત્રણ કલાકમાં 185.6 મિમી (7.30 ઇંચ) વરસાદ પડ્યો હતો. આ સાથે 1955માં નોંધાયેલો 160 મિમીનો 71 વર્ષ જૂનો ઓક્ટોબર મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે અને જનજીવન ઠપ થઈ ગયું હતું.
સવારે 8.30 કલાકે શરૂ થયેલા વરસાદને કારણે રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વાહનોને નુકસાન થયું હતું અને અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સતત પડેલા વરસાદને કારણે મહત્તમ તાપમાન ઘટીને 23.3 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જે સામાન્ય કરતાં 9 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.
જમ્મુના રાયપુર ડોમાના વિસ્તારમાં એક 27 વર્ષીય મહિલા લાપતા થઈ હતી. તે પોતાના પતિને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે અચાનક આવેલા પૂરના પાણીમાં આ મહિલા તણાઈ ગયા હોવાનું માનવામાં આવે છે. તેનો પતિ પાર્ક કરેલી કારને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે ગમે તે રીતે પોતાના પ્રાણ બચાવવામાં સફળ રહ્યો હતો. જો કે સ્થાનિક લોકો, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમો દ્વારા સઘન શોધખોળ કરવા છતાં તેની પત્ની મળી આવી ન હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવાર સાંજે ડોમાના વિસ્તારમાંથી અન્ય એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.