સત્ય. સાહસ. સંકલ્પ.

જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન અશદર: પાકિસ્તાની આતંકી યાસિર ઠાર, 5 હુમલાઓમાં કથિત સંડોવણી

જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન અશદર: પાકિસ્તાની આતંકી યાસિર ઠાર, 5 હુમલાઓમાં કથિત સંડોવણી

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ ત્રણ દિવસ ચાલેલા ઓપરેશન દરમિયાન એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો છે. આતંકીની ઓળખ યાસિર તરીકે થઈ છે, જે લશ્કર-એ-તૈયબા (એલઈટી) સાથે સંકળાયેલો હતો. સુરક્ષા સૂત્રો અનુસાર, યાસિર અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હતો અને તેની કથિત સંડોવણી ઓછામાં ઓછા પાંચ મોટા હુમલાઓ સાથે જોડાયેલી છે.

આ ઓપરેશન બારામુલ્લા જિલ્લાના બારાગાંવ વિસ્તારમાં થયું હતું. ગુપ્ત માહિતીના આધારે સુરક્ષાદળોએ વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓએ ગોળીબાર કર્યો, જેના પગલે જવાબી કાર્યવાહીમાં યાસિરને ઠાર મારવામાં આવ્યો હતો. જોકે, તેના સાથી આતંકીઓમાંથી કેટલાક ગાઢ જંગલનો લાભ લઈને ભાગવામાં સફળ રહ્યા છે.

માર્યા ગયેલા આતંકીની સંડોવણી જે હુમલાઓ સાથે જોડાયેલી છે તેમાં 2024માં પૂંછમાં વાયુસેનાના કાફલા પર થયેલો હુમલો, 2021માં પૂંછમાં સેના પર થયેલો હુમલો, 2024માં બારામુલ્લામાં સેનાના વાહન અને નાગરિક પોર્ટર પર થયેલો હુમલો, 2023માં પૂંછમાં સેનાના વાહન પર થયેલો હુમલો અને 2023માં જ ડેરા કી ગલીમાં સેનાના કાફલા પર થયેલો હુમલો સામેલ છે. આ હુમલાઓમાં કેટલાક જવાનો અને નાગરિકો શહીદ થયા હતા.

હાલમાં સુરક્ષાદળો ભાગી છૂટેલા આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. વિસ્તારમાં ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે.