સત્ય. સાહસ. સંકલ્પ.

જમ્મુ-કાશ્મીર: ઓમર અબ્દુલ્લા સરકાર સામે બળવો, 25 ધારાસભ્યોનું 15 દિવસમાં મંત્રીમંડળ બદલવાનું અલ્ટીમેટમ

જમ્મુ-કાશ્મીર: ઓમર અબ્દુલ્લા સરકાર સામે બળવો, 25 ધારાસભ્યોનું 15 દિવસમાં મંત્રીમંડળ બદલવાનું અલ્ટીમેટમ

જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની સરકાર સામે તેમની જ પાર્ટી નેશનલ કોન્ફરન્સ (NC) ના આશરે 25 ધારાસભ્યોએ બળવો કર્યો છે. ધારાસભ્ય કૈસર જમશેદ લોનના નિવાસસ્થાને શુક્રવારે સાંજે યોજાયેલી ગુપ્ત બેઠકમાં 18 ધારાસભ્યો પ્રત્યક્ષ અને 7 ઓનલાઈન જોડાયા હતા. આ બેઠકમાં સર્વાનુમતે પ્રસ્તાવ પસાર કરીને ઉપમુખ્યમંત્રી સહિત તમામ 8 કેબિનેટ મંત્રીઓને 15 દિવસમાં હટાવીને મંત્રીમંડળનું સંપૂર્ણ પુનર્ગઠન કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત, મુખ્યમંત્રીના રાજકીય સલાહકાર નાસિર અસલમ વાનીને પદ પરથી દૂર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

બેઠકમાં પસાર કરાયેલા પ્રસ્તાવમાં પક્ષના વ્યાપક હિતનો સંદર્ભ આપીને આખું મંત્રીમંડળ બદલવાની અને વિભાગોની ફાળવણી પહેલાં પક્ષની અંદર લોકશાહી ધોરણે વ્યાપક વિચાર-વિમર્શ કરવાની માંગ કરાઈ છે. બેઠકમાં હાજર ધારાસભ્યોએ આ પગલાને પક્ષની અંદર આંતરિક લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટેનું મહત્વનું પગલું ગણાવ્યું છે.

90 સભ્યોની જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સ પાસે 41 ધારાસભ્યો છે. હાલની સરકાર કોંગ્રેસના 6, અપક્ષના 6 અને માકપાના 1 ધારાસભ્યના સમર્થનથી ચાલી રહી છે. પોતાની જ પાર્ટીના 25 ધારાસભ્યોની નારાજગીથી ઓમર અબ્દુલ્લા સરકાર સામે રાજકીય સંકટ ઊભું થયું છે.