સત્ય. સાહસ. સંકલ્પ.

જમ્મુ-કાશ્મીર સરકાર સંકટમાં: નેશનલ કોન્ફરન્સના 24 ધારાસભ્યોનો બળવો, સાંસદનું રાજીનામું

જમ્મુ-કાશ્મીર સરકાર સંકટમાં: નેશનલ કોન્ફરન્સના 24 ધારાસભ્યોનો બળવો, સાંસદનું રાજીનામું

જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા મંત્રીમંડળના વિસ્તાર બાદ નેશનલ કોન્ફરન્સ (NC)ની અંદર તીવ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે. શુક્રવારે સાંજે શ્રીનગરમાં ધારાસભ્ય કૈસર જમશેદ લોનના નિવાસસ્થાને અસંતુષ્ટ ધારાસભ્યોની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 18 ધારાસભ્યો પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા હતા, જ્યારે 6 ધારાસભ્યો વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાયા હતા. આમ, કાશ્મીર ખીણ અને જમ્મુ બંને વિસ્તારના કુલ 24 ધારાસભ્યો અસંતુષ્ટ જૂથમાં એકઠા થઈ જતાં ઓમર અબ્દુલ્લા સરકારની ચિંતા વધી ગઈ છે.

બળવાખોર ધારાસભ્યોની મુખ્ય માંગણીઓમાં મુખ્યમંત્રીના સલાહકાર નાસિર અસલમ વાનીને તાત્કાલિક પદ પરથી દૂર કરવાની, ઉપમુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરી સહિત કેટલાક મંત્રીઓને બરખાસ્ત કરીને મંત્રીમંડળનું સંપૂર્ણ પુનર્ગઠન કરવાની અને જે મંત્રીઓએ પોતાના હોદ્દા પર બે વર્ષ પૂરા કર્યા છે તેમને હટાવીને નવા ચહેરાઓને તક આપવાની માંગનો સમાવેશ થાય છે.

બેઠક દરમિયાન કેટલાક વરિષ્ઠ ધારાસભ્યો ભાવુક થઈ ગયા હતા અને પક્ષના નેતૃત્વ તથા મુખ્યમંત્રીના સલાહકાર દ્વારા તેમની સાથે કરવામાં આવેલા અન્યાયી વર્તનની કેફિયત રજૂ કરી હતી. ધારાસભ્યોએ એક પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરીને પોતાની માંગણીઓ મુખ્યમંત્રી સમક્ષ મૂકવાનો નિર્ણય કર્યો છે. અસંતુષ્ટ નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પક્ષના વિરોધમાં નથી, પરંતુ હવે બધું પહેલા જેવું સામાન્ય રીતે ચાલી શકશે નહીં.

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 90 સભ્યો છે, જેમાં નેશનલ કોન્ફરન્સ પાસે 41 ધારાસભ્યો છે અને તેમને કોંગ્રેસના 6 ધારાસભ્યો તથા કેટલાક અપક્ષોનું સમર્થન પ્રાપ્ત છે. જો આ 24 ધારાસભ્યોનો બળવો શાંત નહીં થાય તો ઓમર અબ્દુલ્લા સરકાર અલ્પમતમાં આવી શકે છે અને વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે.

બીજી તરફ, નેશનલ કોન્ફરન્સના શ્રીનગરના સાંસદ આગા રુહુલ્લાએ જાહેરાત કરી છે કે તેઓ પોતાની સંસદીય સીટ અને પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી દેશે. મુખ્યમંત્રી અબ્દુલ્લા સાથે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ તેમણે પક્ષથી અલગ રસ્તો અપનાવવાનો નિર્ણય લીધો છે, જેનાથી નેશનલ કોન્ફરન્સમાં મોટું રાજકીય સંકટ ઊભું થયું છે.