સત્ય. સાહસ. સંકલ્પ.

જેમ્સ એન્ડરસન હવે સરે તરફથી રમશે, લેન્કેશાયરે 25 વર્ષ જૂનો સંબંધ કરાર લંબાવ્યા વિના પૂરો કર્યો

જેમ્સ એન્ડરસન હવે સરે તરફથી રમશે, લેન્કેશાયરે 25 વર્ષ જૂનો સંબંધ કરાર લંબાવ્યા વિના પૂરો કર્યો

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર જેમ્સ એન્ડરસન 2027ની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફથી રમશે. એન્ડરસને 25 વર્ષ સુધી લેન્કેશાયર સાથે સંબંધ જાળવ્યો હતો, પરંતુ ક્લબે આગામી સિઝન માટે તેમનો કરાર લંબાવ્યો નહતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા 44 વર્ષીય એન્ડરસને 2026ની કાઉન્ટી સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેમણે 50 વિકેટ ઝડપી હતી અને લેન્કેશાયર તરફથી પ્લેયર ઑફ ધ યર પસંદ કરાયા હતા.

લેન્કેશાયરથી વિદાય થવાની રીત અંગે એન્ડરસને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો નિર્ણય તેમના હાથમાં હોત તો આ સંબંધ આ રીતે પૂરો ન થયો હોત.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે પણ લેન્કેશાયરના આ નિર્ણયની ટીકા કરી હતી અને ક્લબના વલણને અપમાનજનક ગણાવ્યું હતું.

હવે એન્ડરસન સરે સાથે નવો અધ્યાય શરૂ કરશે. સરે ખાતે તેમનો સંપર્ક ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સાથી ખેલાડી એલેક્સ સ્ટુઅર્ટ સાથે થશે, જે હાલમાં સરે મેન્સ ક્રિકેટના ડિરેક્ટર છે.

સરે સાથે જોડાવા અંગે એન્ડરસને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, સરે જેવી ક્લબ સાથે જોડાવું સન્માનની વાત છે અને તેઓ નવો અધ્યાય શરૂ કરવા ઉત્સુક છે. ટીમમાં સારા ખેલાડીઓ છે અને ક્લબ કાઉન્ટી ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવા માટે રમે છે.

સરેના ડિરેક્ટર એલેક્સ સ્ટુઅર્ટે એન્ડરસનના અનુભવ અને ગયા સિઝનના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે 2026ની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 50 વિકેટ લેવી એ સાબિત કરે છે કે એન્ડરસન હજુ પણ દેશના શ્રેષ્ઠ બોલરોમાં સામેલ છે. સ્ટુઅર્ટના જણાવ્યા અનુસાર ટીમના યુવા બોલરોને એન્ડરસન સાથે તાલીમ લેવાથી, રમવાથી અને ડ્રેસિંગ રૂમ વહેંચવાથી ઘણું શીખવા મળશે.

સરેનું ઘરેલું મેદાન ધ ઓવલ એન્ડરસન માટે ખાસ રહ્યું છે. 2018માં આ જ મેદાન પર તેમણે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રાને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી બોલર દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મોહમ્મદ શમીને આઉટ કરીને તેમણે 564મી ટેસ્ટ વિકેટ મેળવી હતી.

એન્ડરસને 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે ત્રણેય ફોર્મેટમાં મળીને 911 વિકેટ લીધી છે, જેમાં ટેસ્ટ ક્રિકેટની 704 વિકેટ સામેલ છે. ઝડપી બોલર દ્વારા લેવાયેલી આ સૌથી વધુ ટેસ્ટ વિકેટ છે.