સત્ય. સાહસ. સંકલ્પ.

જલસા બંગલો વિવાદ: રમોલા બચ્ચને 1993ની ગિફ્ટ ડીડને પડકારી, જાણો શું છે નિયમો

જલસા બંગલો વિવાદ: રમોલા બચ્ચને 1993ની ગિફ્ટ ડીડને પડકારી, જાણો શું છે નિયમો

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો મુંબઈના જુહુ સ્થિત પ્રખ્યાત બંગલો 'જલસા' માલિકીના વિવાદમાં ફસાયો છે. અમિતાભના નાના ભાઈ અજિતાભ બચ્ચનની પત્ની રમોલા બચ્ચને વર્ષ 1993માં બનેલી 'ગિફ્ટ ડીડ'ને પડકારી છે, જેના આધારે બંગલાની માલિકી જયા બચ્ચનના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

રમોલા બચ્ચનનો દાવો છે કે આ મિલકત મૂળરૂપે તેમના નામે નોંધાયેલી હતી અને તેમની જાણ કે સંમતિ વિના તેને સાદા કાગળ પર બનાવેલી ગિફ્ટ ડીડ દ્વારા જયા બચ્ચનના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. કાપોલ હાઉસિંગ સોસાયટીના રેકોર્ડમાં જયા બચ્ચનનું નામ માલિક તરીકે છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારના પ્રોપર્ટી કાર્ડમાં હજુ પણ રમોલા બચ્ચનનું નામ જોવા મળે છે.

આ મામલે છેલ્લા સાત મહિનાથી ફરિયાદો ચાલી રહી છે અને હાલમાં કોઓપરેટિવ સોસાયટીઝના ડેપ્યુટી રજિસ્ટ્રારે બંને પક્ષો પાસેથી જવાબો માંગ્યા છે. અભિષેક બચ્ચનના પ્રવક્તાએ આ મામલાને આંતરિક પારિવારિક બાબત ગણાવીને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

'જલસા' બંગલો લગભગ 10,125 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. 1980ના દાયકામાં તે ફિલ્મ નિર્માતા એન. સી. સિપ્પીની માલિકીનો હતો. અહેવાલો મુજબ, 1982ની ફિલ્મ 'સત્તે પે સત્તા' માટે મહેનતાણા તરીકે આ બંગલો અમિતાભને મળ્યો હતો.

ગિફ્ટ ડીડ શું હોય છે?

ગિફ્ટ ડીડ એ કાનૂની દસ્તાવેજ છે, જેના દ્વારા કોઈ વ્યક્તિ પોતાની મિલકત કોઈપણ આર્થિક વળતર વિના બીજી વ્યક્તિને ભેટમાં આપે છે. મિલકત આપનારને દાતા અને લેનારને પ્રાપ્તકર્તા કહેવાય છે. પ્રોપર્ટી ટ્રાન્સફર એક્ટ, 1882ની કલમ 122 અને 123 હેઠળ ગિફ્ટ ડીડના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

કાયદા મુજબ, ભેટ આપવાની ઈચ્છા પૂરતી નથી; તે સ્વેચ્છાએ આપેલી હોવી જોઈએ અને લેનારે તેને દાતાના જીવનકાળ દરમિયાન સ્વીકારેલી હોવી જોઈએ. સ્થાવર મિલકત (જેમ કે જમીન કે મકાન) માટે ભેટનો દસ્તાવેજ નોંધાયેલો હોવો ફરજિયાત છે અને તેના પર દાતાની સહી સાથે ઓછામાં ઓછા બે સાક્ષીઓની સહી હોવી જોઈએ. ત્યારબાદ જ મિલકતના રેકોર્ડમાં નામ બદલવાની પ્રક્રિયા (મ્યુટેશન) કરી શકાય છે.

સાદા કાગળ પર લખેલી ગિફ્ટ ડીડ માન્ય છે?

જલસાના કિસ્સામાં એવો દાવો છે કે 1993માં દસ્તાવેજ સાદા કાગળ પર બન્યો હતો. કાયદા મુજબ, મકાન કે જમીન જેવી સ્થાવર મિલકત માટે સાદા કાગળ પર લખેલી બિન-નોંધાયેલ ગિફ્ટ ડીડ માલિકી ટ્રાન્સફર કરવા માટે માન્ય ગણાતી નથી. દસ્તાવેજ યોગ્ય રીતે રજિસ્ટર થયેલો હોવો જોઈએ અને રાજ્યના કાયદા મુજબ તેના પર સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોવી જોઈએ. જો દસ્તાવેજ બનાવતી વખતે છેતરપિંડી કે દબાણ થયું હોય તો પુરાવાઓના આધારે તેની કાયદાકીય તપાસ થાય છે.

શું 13 વર્ષ પછી દસ્તાવેજનું રજિસ્ટ્રેશન થઈ શકે?

આ વિવાદમાં મોટો મુદ્દો એ છે કે 1993માં બનેલી ગિફ્ટ ડીડ છેક 2006માં મહારાષ્ટ્ર સરકારની 'સ્ટેમ્પ ડ્યુટી અભય યોજના' હેઠળ બાકી સ્ટેમ્પ ડ્યુટી ભરીને રજિસ્ટર થઈ હતી. સામાન્ય રીતે દસ્તાવેજ બન્યા પછી નક્કી કરેલા સમયગાળામાં જ તેની નોંધણી કરાવવી પડે છે. 13 વર્ષ પછી નોંધણી કરાવવાના કિસ્સામાં કાયદાકીય પ્રક્રિયા અને તેની માન્યતા અંગે પ્રશ્નો ઊઠી શકે છે.