રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દેશ-વિદેશથી લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી હતી.
જન્મજયંતિ નિમિત્તે વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા સમાધિ પર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરમાં પ્રથમ આરતી ઉતારી ભક્તો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.
ઉજવણીને લઈને સમગ્ર વીરપુર નગરીમાં ભવ્ય ઝગમગાટ કરવામાં આવ્યો છે. વીરપુરવાસીઓએ ઘરે-ઘરે આકર્ષક રંગોળીઓ કરી છે, દરવાજે આસોપાલવનાં તોરણ બાંધ્યાં છે અને ઘરો તથા ગેસ્ટ હાઉસ પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. જાણે વીરપુરમાં બીજી દિવાળીનો માહોલ સર્જાયો હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ ચોકમાં પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર અને સેવાકાર્યોને દર્શાવતી આકર્ષક ઝાંખીઓ તેમજ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યાં છે. જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વીરપુર પહોંચતા માર્ગો પર ભક્તોની સેવા માટે ઠેર-ઠેર પાણી, સરબત અને છાશના પરબ ઊભા કરવામાં આવ્યા છે. વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
227મી જન્મજયંતિ નિમિત્તે ભક્તોને 227 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને કેક કટિંગનો કાર્યક્રમ પણ યોજાશે. નોંધનીય છે કે છેલ્લા 26 વર્ષથી જલારામ બાપાના મંદિરે એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાત સ્વીકારવામાં આવતી નથી. 200 વર્ષથી વધુ સમયથી અવિરત ચાલતું અન્નક્ષેત્ર યથાવત્ છે. હાલ દેશ-વિદેશના લાખો ભક્તોની હાજરીથી વીરપુરમાં ભક્તિમય માહોલ છવાયો છે.