વિદેશમંત્રી એસ. જયશંકરે ન્યૂયોર્કમાં એશિયા સોસાયટીના કાર્યક્રમમાં ભારત-અમેરિકા સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ અને ટેક્નોલોજીમાં સહયોગ વધી રહ્યો છે, પરંતુ વેપારની જટિલતાઓ અને સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ જેવા મુદ્દા પડકારરૂપ છે.
જયશંકરે કોઈ દેશનું નામ લીધા વિના કહ્યું કે ભારતનો એક પાડોશી દેશ લાંબા સમયથી આતંકવાદને પોતાની નીતિના સાધન તરીકે વાપરી રહ્યો છે. આ નિવેદનને પાકિસ્તાન સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત માટે સુરક્ષા સર્વોપરી છે અને જો કોઈ સહયોગી દેશ ભારતની સુરક્ષા ચિંતાઓને ગંભીરતાથી ન લે તો સંબંધો પર અસર પડી શકે છે.
ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતું આવ્યું છે. જયશંકરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદનો મુદ્દો અમેરિકા સાથેના સંબંધોમાં પણ ભારત માટે મહત્વનો છે.
વેપાર ઉપરાંત રશિયન ઓઇલનો મુદ્દો પણ ચર્ચામાં છે. અમેરિકાની રશિયા સંબંધિત નીતિઓને કારણે ભારતની ઊર્જા સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે. તાજેતરમાં જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ન્યૂયોર્કમાં મુલાકાત કરી હતી, જેમાં રશિયા સંબંધિત પ્રતિબંધો અને ભારતની ચિંતાઓ પર ચર્ચા થઈ હતી. ભારતે તેની ઊર્જા જરૂરિયાતો અને રશિયા સાથેના વેપાર અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
એક તરફ સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ આગળ વધી રહ્યો છે, તો બીજી તરફ સુરક્ષા, સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ, ટ્રેડ અને રશિયન ઓઇલ જેવા મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. જયશંકરના નિવેદનથી એટલું સ્પષ્ટ થાય છે કે ભારત પોતાની સુરક્ષા ચિંતાઓ અને રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન નહીં કરે.