સત્ય. સાહસ. સંકલ્પ.

યુએનજીએમાં જયશંકર: આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ, યુક્રેન યુદ્ધ પર ચિંતા

યુએનજીએમાં જયશંકર: આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ, યુક્રેન યુદ્ધ પર ચિંતા

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 81મા સત્રને સંબોધતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદ સામે ભારતની 'ઝીરો ટોલરન્સ'ની નીતિ ચાલુ રહેશે તેવું સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ હવે પાંચમા વર્ષમાં પ્રવેશ્યું છે, જે ખૂબ ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે વિશ્વના દેશોને શાંતિ માટે અપીલ કરી હતી અને જણાવ્યું કે શાંતિ જાળવવામાં નિષ્ફળતા માત્ર સુરક્ષાને જ નહીં, પણ વિકાસ અને પ્રગતિની ઝડપને પણ અસર કરે છે.

જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના દુનિયામાં શાંતિ અને સુરક્ષા જાળવવાના હેતુથી થઈ હતી, પરંતુ આજે પણ સંઘર્ષ અને ટકરાવ દુનિયાની સૌથી મોટી ચિંતા બની રહ્યા છે. આજની વૈશ્વિકીકૃત દુનિયામાં કોઈપણ એક ખૂણામાં થતા યુદ્ધની અસર આખી દુનિયા પર પડે છે.

કોમર્શિયલ શિપિંગ અને સમુદ્રી કર્મચારીઓને નિશાન બનાવવાની ઘટનાઓ અંગે તેમણે કડક શબ્દોમાં કહ્યું કે આ બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી પસાર થતી વખતે. તેમણે તમામ પક્ષોને સંયમ જાળવવા, તણાવ ઓછો કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી. યુક્રેન સંઘર્ષ અંગે તેમણે વડાપ્રધાન મોદીના શબ્દો ટાંકતા કહ્યું કે આ અંતહીન યુદ્ધનો અંત આવવો જોઈએ.

આતંકવાદ અંગે જયશંકરે નામ લીધા વિના પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કરતા કહ્યું કે આતંકવાદને સતત પ્રોત્સાહન આપનારા એક દેશે તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દોસ્તી અને સદભાવના આતંકવાદ સાથે ચાલી શકે નહીં. આતંકવાદ ફેલાવનારાઓએ પોતાનું વલણ બદલવું જ પડશે.