ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે એક પાકિસ્તાની પત્રકારના સવાલનો સફાઈભર્યો જવાબ આપ્યો. પત્રકારે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. જયશંકરે જવાબમાં કહ્યું, “એક આતંકવાદી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે.” આટલું કહીને તેઓ સ્મિત કરતા ત્યાંથી નીકળી ગયા.
આ ઘટના સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં મીડિયા સાથેની બેઠક દરમિયાન બની, જ્યાં ભારતની વિદેશ નીતિ, વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈ પર ચર્ચા ચાલી રહી હતી.
આ પહેલાં ડિસેમ્બર 2022માં પણ ન્યૂયોર્કમાં એક પાકિસ્તાની પત્રકારે જયશંકરને પૂછ્યું હતું કે દક્ષિણ એશિયા ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદનો ક્યાં સુધી સામનો કરતું રહેશે. જયશંકરે ત્યારે કહ્યું હતું, “તમે ખોટા મંત્રીને સવાલ પૂછી રહ્યા છો. પાકિસ્તાન આતંકવાદ કેટલા સમય સુધી ચાલુ રાખવા માગે છે, તે પાકિસ્તાનના મંત્રીઓ જણાવશે.”
ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતું રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આ આરોપોને નકારે છે. બંને દેશો વચ્ચે આતંકવાદનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર વારંવાર ઉઠતો રહ્યો છે. ભારતે એપ્રિલ 2025ના પહલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો પણ આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવ્યો છે, જેમાં 26 લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ ભારતે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ભારતે પાકિસ્તાનમાં હાજર અથવા ત્યાંથી સંચાલિત આતંકવાદી સંગઠનો અને આતંકવાદના ભંડોળનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.
જયશંકરે પ્રેસ કૉન્ફરન્સમાં ખાડી, લાલ સમુદ્ર અને કાળા સમુદ્રમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આ હવે ક્યારેક બનતી ઘટનાઓ રહી નથી અને દરિયાઈ માર્ગો પર થતા આવા હુમલા વૈશ્વિક વેપાર અને લોકોની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે. તેમણે લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેયસોલો નયંતી સાથે જહાજો અને નાવિકોની સુરક્ષા અંગે રચાયેલા ‘ગ્રુપ ઑફ ફ્રેન્ડ્સ’ની પ્રથમ બેઠક દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો.
છેલ્લા ત્રણ મહિનામાં દરિયાઈ હુમલાઓમાં સાત ભારતીયોના મોત થયા છે અને એક લાપતા છે. 8 જુલાઈએ બ્લેક સીમાં MV ઓમોર્ફી પર થયેલા હુમલામાં ભારતીય ચીફ ઓફિસરનું મોત થયું. 19 જુલાઈએ MV ગોલ્ડન લિયો પર થયેલા હુમલામાં ચાર ભારતીય નાવિકો માર્યા ગયા. 9 સપ્ટેમ્બરે હોર્મુઝ સ્ટ્રેટમાં એલ ગૈયા ટેન્કર પર હુમલો થયો, જેમાં એક ભારતીય ક્રૂ સભ્ય લાપતા થઈ ગયો. 17 સપ્ટેમ્બરે ઓમાનની ખાડીમાં MV કેપ ડાઓ પર થયેલા હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું.
વિદેશ મંત્રી જયશંકર 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના હાઈ લેવલ સેશનમાં ભારતનો પક્ષ રજૂ કરશે. ગયા વર્ષે પણ તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પક્ષ રજૂ કર્યો હતો અને પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આતંકવાદ સામે ભારતની નીતિ ઝીરો ટોલરન્સની છે. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપતા અને આતંકવાદીઓને આશ્રય આપતા દેશોને જવાબદાર ઠેરવવાની વાત કહી હતી.