સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈમાં જયશંકર-રુબિયો બેઠક: ટ્રેડ ડીલ નજીક, જામનગરની મુલાકાત

મુંબઈમાં જયશંકર-રુબિયો બેઠક: ટ્રેડ ડીલ નજીક, જામનગરની મુલાકાત

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો બે દિવસના ભારત પ્રવાસે છે. મુંબઈમાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં ભારત-અમેરિકા સંબંધો, દ્વિપક્ષીય વેપાર અને પ્રસ્તાવિત ટ્રેડ ડીલ પર વિગતવાર ચર્ચા થઈ હતી.

રુબિયોએ ગેટવે ઓફ ઈન્ડિયાની મુલાકાત લીધા બાદ તાજ મેમોરિયલ ખાતે 26/11 આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે ભારતને અમેરિકાનો અત્યંત મહત્વપૂર્ણ સાથી ગણાવ્યો હતો.

રુબિયોએ કહ્યું, “ભારત અમેરિકાનો મહત્વપૂર્ણ વાણિજ્યિક અને વ્યાવસાયિક ભાગીદાર છે. અમે સાથે મળીને ઘણો સંરક્ષણ સહયોગ પણ કરીએ છીએ. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને સૌથી મોટી લોકશાહી છે. ભારતના વિદેશ મંત્રી ચાર વખત અમેરિકા આવી ચૂક્યા છે, તેથી આ પ્રવાસો વધુ પડતા નથી, બલ્કે આવી વાતચીત વધુ થવી જોઈએ.”

ટ્રેડ ડીલ અંગે તેમણે જણાવ્યું કે, “અમે સમજૂતીની ખૂબ નજીક છીએ. ફક્ત કેટલાક નાના-મોટા મુદ્દા બાકી છે. અમને આશા છે કે ટૂંક સમયમાં જાહેરાત કરવા માટે સારા સમાચાર હશે અને ત્યાર બાદ તેના પર હસ્તાક્ષર થશે.”

મુંબઈ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ રુબિયો ગુજરાતના જામનગર જશે. ત્યાં તેઓ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરીની મુલાકાત લેશે.