વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનની રાજધાની કિવમાં યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રી સિબિહા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારત તરફથી શાંતિ પ્રયાસોમાં સહયોગ કરવાની તૈયારી દર્શાવી હતી. જયશંકરે જણાવ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત રણમેદાનમાં નહીં, પરંતુ વાતચીત અને કૂટનીતિથી જ શક્ય છે.
બંને વિદેશ મંત્રીઓ વચ્ચે કાળા સમુદ્રમાં વ્યાપારી જહાજોની સુરક્ષા, દ્વિપક્ષીય વેપાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ ટેકનોલોજી, કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ અને શિક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા થઈ હતી. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે આ સંઘર્ષનો કાયમી ઉકેલ સૈન્ય કાર્યવાહીથી નહીં, પરંતુ વાટાઘાટો અને પરસ્પર સમજૂતીથી જ શક્ય છે. જો બંને પક્ષો સહમત થાય, તો ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવવા પણ તૈયાર છે.
અમેરિકા રશિયન તેલ ખરીદતા દેશો પર પ્રતિબંધ મૂકે તો ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદી ઘટાડશે કે કેમ, તેવા સવાલના જવાબમાં જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે માત્ર આર્થિક દબાણથી યુદ્ધનો અંત નહીં આવે. તેમણે કહ્યું કે સંઘર્ષનો વાસ્તવિક ઉકેલ સંવાદ અને રાજદ્વારી માર્ગે જ નીકળશે.
ભારત અને યુક્રેન વચ્ચેનો વેપાર ફાર્માસ્યુટિકલ્સ, અનાજ, ખાતરથી માંડીને મશીનરી અને કન્ઝ્યુમર ગુડ્સ સુધી વિસ્તરેલો છે. છેલ્લા ચાર વર્ષથી ચાલતી યુદ્ધની સ્થિતિ અને લોજિસ્ટિક્સની મુશ્કેલીઓને કારણે વેપારમાં અવરોધો આવ્યા છે, છતાં પરસ્પર આર્થિક સંબંધોમાં મજબૂતી જોવા મળી છે. બેઠકમાં વર્તમાન મુદ્દાઓની સાથે ભવિષ્યની સંભાવનાઓ પર પણ ચર્ચા થઈ.
શિક્ષણ બંને દેશો વચ્ચેના સંબંધોનો મહત્વનો સ્તંભ છે. યુક્રેનમાં હાલ પણ અનેક ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જયશંકરે યુદ્ધની પરિસ્થિતિમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને સંભાળ રાખવા બદલ યુક્રેનના વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.
નોંધનીય છે કે આ પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની મુલાકાત બાદ યોજાઈ રહ્યો છે. ભારત સતત શાંતિ અને કૂટનીતિના માર્ગને સમર્થન આપી રહ્યું છે.