સત્ય. સાહસ. સંકલ્પ.

મુશ્કેલ સમયમાં સાથ આપનાર રશિયાને ભારત ક્યારેય નહીં ભૂલે: વિદેશ મંત્રી જયશંકર

મુશ્કેલ સમયમાં સાથ આપનાર રશિયાને ભારત ક્યારેય નહીં ભૂલે: વિદેશ મંત્રી જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે મ્યુનિક લીડર્સ મીટિંગમાં રશિયા સાથેના ભારતના સંબંધો અંગે સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે ભારતની વિદેશ નીતિ રાષ્ટ્રીય હિતો અને ઐતિહાસિક અનુભવો પર આધારિત છે, કોઈ પણ પશ્ચિમી જૂથ પર નહીં.

જયશંકરે 1950ના દાયકાથી ચાલતા ભારત-રશિયા સંબંધોને યાદ કરતા કહ્યું કે મુશ્ચે સમયમાં સોવિયત સંઘે ભારતને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે તે સમયે ઘણા દેશો ભારતના પડોશી સૈન્ય શાસનના સમર્થનમાં હતા, પરંતુ રશિયા સાથેના ભારતના સંબંધો હંમેશા અલગ રહ્યા છે.

વિદેશ મંત્રીએ જણાવ્યું કે ભારત-રશિયા સંબંધો માત્ર સંરક્ષણ સહયોગ સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં પરમાણુ ઊર્જા, અવકાશ, વ્યાપાર, રોકાણ અને કુદરતી સંસાધનોનો સહયોગ પણ સામેલ છે. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે પણ ભારત તેના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખે છે.

યુક્રેન યુદ્ધ અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે. જયશંકરે કહ્યું કે યુદ્ધનો અંત આવવો જોઈએ અને તેનો ઉકેલ માત્ર વાતચીત, કૂટનીતિ અને મંત્રણા દ્વારા જ શક્ય છે. ભારતે રશિયા અને યુક્રેન બંને પક્ષો સાથે વાતચીત કરીને સંવાદનો રસ્તો ખુલ્લો રાખવાનો પ્રયાસ કર્યો છે.

વિદેશ મંત્રીએ જણાવ્યું કે ભારત માત્ર યુદ્ધ અટકાવવાની અપીલ સુધી સીમિત નથી, પરંતુ બ્લેક સીમાં જહાજોની સુરક્ષિત અવરજવર, અનાજ અને ઊર્જાની નિકાસ તેમજ પરસ્પર હુમલા ન કરવાના મુદ્દાઓ પર બંને પક્ષો સાથે ચર્ચા કરી રહ્યું છે.

પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે પણ ભારતે સાબિત કર્યું છે કે તેની નીતિઓ કોઈના દબાણ હેઠળ બનતી નથી. જૂના સંરક્ષણ સંબંધો, ઊર્જાની જરૂરિયાતો અને વ્યૂહાત્મક ભાગીદારીને કારણે ભારત પોતાના સ્વતંત્ર રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને રશિયા સાથેના સંબંધો જાળવી રહ્યું છે.