વિદેશ મંત્રી એસ. જયશંકરે 1980ના દાયકામાં ભારતે આર્થિક તક કેમ ગુમાવી તે અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 1988માં રાજીવ ગાંધી ચીન ગયા ત્યારે બંને દેશોની અર્થવ્યવસ્થા લગભગ સમાન હતી. પરંતુ ચીને આધુનિકીકરણ અપનાવ્યું જ્યારે ભારતે તે તક ગુમાવી દીધી. આને કારણે આજે બંને દેશો વચ્ચે આર્થિક અંતર વધ્યું છે. તેમણે સરહદ પર ભારતની સૈન્ય ક્ષમતામાં સુધારો થયો હોવાનું પણ જણાવ્યું છે.
એક કાર્યક્રમમાં બોલતા જયશંકરે કહ્યું કે 1988માં જ્યારે રાજીવ ગાંધી બેઇજિંગ ગયા હતા ત્યારે ભારત અને ચીનની અર્થવ્યવસ્થાનું કદ લગભગ એકસરખું હતું. જોકે 1980ના દાયકામાં ચીને મોટા પાયે આધુનિકીકરણની પ્રક્રિયા શરૂ કરી હતી, જ્યારે ભારત આ તકનો લાભ લેવામાં પાછળ રહી ગયું હતું.
જયશંકરના મતે, 1980ના દાયકામાં ચીને આર્થિક સુધારા અને આધુનિકીકરણના માર્ગે ઝડપથી પ્રગતિ કરી હતી. બીજી તરફ ભારત આર્થિક પરિવર્તનની તકનો પૂરતો લાભ લઈ શક્યું નહોતું. પરિણામે આજે બંને દેશોની આર્થિક સ્થિતિ વચ્ચે મોટું અંતર ઊભું થયું છે. 1980ના દાયકાની શરૂઆતમાં ભારત અને ચીનની કુલ GDPમાં બહુ મોટો તફાવત નહોતો. ભારતની GDP અંદાજે 186થી 200 અબજ અમેરિકી ડોલર હતી, જ્યારે ચીનની GDP લગભગ 300 અબજ અમેરિકી ડોલર આસપાસ હતી. બંને દેશોમાં ગરીબી અને મર્યાદિત આર્થિક સંસાધનો જેવી સમસ્યાઓ પણ વ્યાપક હતી.
ચીને 1978માં તત્કાલીન નેતા ડેંગ શિયાઓપિંગના નેતૃત્વમાં આર્થિક સુધારાની શરૂઆત કરી હતી. આ દરમિયાન વિશેષ આર્થિક ક્ષેત્રો (SEZ) વિકસાવવામાં આવ્યા અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. બીજી તરફ, ભારતે 1991માં આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવીને મોટા પાયે બજારને વિદેશી રોકાણ અને સ્પર્ધા માટે ખોલ્યું હતું. ચીને પોતાને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને નિકાસના કેન્દ્ર તરીકે વિકસાવ્યું, જ્યારે ભારતે પાછળના વર્ષોમાં IT અને સર્વિસ સેક્ટરમાં નોંધપાત્ર પ્રગતિ કરી.
જયશંકરે ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ચીન સાથે જોડાયેલી સરહદ હવે એક રીતે વધુ સક્રિય બની છે. ગલવાનની ઘટનાનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે સરહદ પર પોતાની સ્થિતિ જાળવી રાખવાની અને સૈન્ય તહેનાત કરવાની ભારતની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમના મતે, આ ક્ષેત્રમાં ભારતે મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે.
1988માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ચીનની મુલાકાત લીધી હતી. જવાહરલાલ નેહરુ પછી ચીનની મુલાકાત લેનારા તેઓ બીજા ભારતીય વડાપ્રધાન હતા. આ સમયે સુમદોરોંગ ચુ ખીણમાં ભારત અને ચીનની સેનાઓ સામસામે હતી. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે રાજીવ ગાંધીની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશ ઘટાડવાનો હતો. તેમની મુલાકાત બાદ બંને દેશો વચ્ચે વાતચીતના અનેક તબક્કા શરૂ થયા હતા. આ મુલાકાતને ભારત-ચીન સંબંધોમાં સુધારાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે.