સત્ય. સાહસ. સંકલ્પ.

'જેલર-2' ટ્રેલર રિલીઝ: વિદ્યા બાલનનો નવો લુક, હૃતિક રોશનનો અવતાર હજુ રહસ્યમય

'જેલર-2' ટ્રેલર રિલીઝ: વિદ્યા બાલનનો નવો લુક, હૃતિક રોશનનો અવતાર હજુ રહસ્યમય

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ 'જેલર-2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં રજનીકાંતનો પરિચિત અંદાજ, એક્શન અને દમદાર સ્વેગ જોવા મળે છે. ફિલ્મમાં વિદ્યા બાલન, જેકી શ્રોફ સહિતના બોલિવૂડ કલાકારો પણ મહત્ત્વના પાત્રોમાં છે. જોકે, હૃતિક રોશનના લુક અને પાત્ર અંગે ટ્રેલરમાં સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યો છે.

ટ્રેલરની શરૂઆત એક રહસ્યમય સસ્પેન્સ સાથે થાય છે. કેટલાક લોકો એવા વ્યક્તિની શોધમાં છે, જે તેમના માણસોને મારી રહ્યો છે. પણ કોઈને તે શખ્સનું નામ કે ચહેરો ખબર નથી. આ શોધ વચ્ચે રિટાયર્ડ IPS અધિકારી 'ટાઇગર' મુથુવેલ પાંડિયનની એન્ટ્રી થાય છે.

મુથુવેલ પાંડિયન અંડરકવર પોલીસ અધિકારી છે. તેણે વર્મનની હત્યા કરી હતી. પરંતુ તેને ખબર નથી કે વર્મન સાથે બીજા ખતરનાક લોકો પણ જોડાયેલા છે. વર્મનની હત્યાનો બદલો લેવા માટે હવે તે લોકો મુથુવેલને શોધી રહ્યા છે. આ વખતે જેલર ટાઇગરનો સામનો એક નહીં, પણ ત્રણ-ચાર ખૂંખાર વિલન સાથે થશે.

ટ્રેલરમાં રજનીકાંત પછી સૌથી વધુ ધ્યાન વિદ્યા બાલને ખેંચ્યું છે. વિદ્યા બોલ્ડ અને અસરદાર લુકમાં જોવા મળે છે. ટૂંકા વાળ, ડાર્ક સ્ટાઇલિંગ અને દમદાર સ્ક્રીન પ્રેઝન્સ ધરાવતું તેનું પાત્ર દર્શકોને આકર્ષે છે. વિદ્યા બાલન અને રજનીકાંતને એક ફ્રેમમાં જોવાનો અનુભવ રોમાંચક છે. બંને નેશનલ અવોર્ડ વિજેતા કલાકારો પહેલી વાર સ્ક્રીન શેર કરી રહ્યા છે. એક તરફ વિદ્યાની રહસ્યમય હાજરી ફિલ્મમાં નવો સ્તર ઉમેરે છે, તો બીજી તરફ રજનીકાંત સાથેની તેની કેમેસ્ટ્રી બંનેના પાત્રો વચ્ચેના સંબંધ અંગે ઉત્સુકતા વધારે છે.

ફિલ્મમાં વિદ્યા અને રજનીકાંત ઉપરાંત મિથુન ચક્રવર્તી, એસ.જે. સૂર્યા, જેકી શ્રોફ, શિવા રાજકુમાર, મોહનલાલ અને હૃતિક રોશન મહત્ત્વના પાત્રોમાં છે. આ તમામની ઝલક ટ્રેલરમાં જોવા મળે છે, પરંતુ હૃતિકનો લુક છુપાવી રાખવામાં આવ્યો છે. નેલ્સન દિલીપકુમારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 15 ઓક્ટોબરે રિલીઝ થશે.

આ ફિલ્મ 2023ની બ્લોકબસ્ટર 'જેલર'ની સિક્વલ છે. તેમાં રમ્યા કૃષ્ણન, યોગી બાબુ અને મિર્ના તેમના જૂના પાત્રોમાં પાછા ફરશે. પહેલી ફિલ્મમાં મોહનલાલ, શિવરાજકુમાર અને જેકી શ્રોફે કેમિયો કર્યો હતો. વિનાયકન, વસંત રવિ, તમન્ના ભાટિયા અને સુનીલ પણ મહત્ત્વના રોલમાં જોવા મળ્યા હતા. ટ્રેડ એનાલિસ્ટ વેબસાઇટ 'સેકનિલ્ક' અનુસાર, લગભગ ₹200 કરોડના બજેટમાં બનેલી 'જેલર'એ દુનિયાભરમાં ₹604.5 કરોડની કમાણી કરી હતી.

અગાઉ, આ ફિલ્મના સેટ પર એક દુર્ઘટના બની હતી. પાંચ મહિના પહેલાં 'જેલર 2'ના સેટ પર કરંટ લાગવાથી એક કર્મચારીનું મૃત્યુ થયું હતું. આ ઘટના ચેન્નઈના ઈસ્ટ કોસ્ટ રોડ (ECR) પર પનૈયૂર સ્થિત આદિત્યરામ ફિલ્મ સિટીના એક સેટ પર બની હતી. પીટીઆઈ (PTI)ના રિપોર્ટ મુજબ, મૃતકની ઓળખ 28 વર્ષીય કાર્તિકેયન તરીકે થઈ હતી. મળેલી માહિતી અનુસાર, કાર્તિકેયન ફિલ્મના શૂટિંગ માટે ઘર જેવો સેટ તૈયાર કરવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને જોરદાર કરંટ લાગ્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું. પોલીસના જણાવ્યા મુજબ, કાર્તિકેયન આર્ટ ડિરેક્શન સંબંધિત કામમાં લાગેલા હતા.