સત્ય. સાહસ. સંકલ્પ.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મોર્નિંગ વૉક દરમિયાન બેભાન, AIIMSના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં દાખલ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મોર્નિંગ વૉક દરમિયાન બેભાન, AIIMSના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં દાખલ

નવી દિલ્હી: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ બુધવારે સવારે મોર્નિંગ વૉક દરમિયાન બેભાન થઈને પડી ગયા હતા. ત્યારબાદ તેમને નવી દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. 75 વર્ષીય ધનખડને કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, ધનખડ થોડા મિનિટો સુધી બેભાન રહ્યા હતા. સુરક્ષાકર્મીઓ તેમને PCR વાહનથી ઘરે લઈ ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ ILBSની મેડિકલ ટીમ અને AIIMSના ડૉક્ટર સંદીપ સેઠે તેમની તપાસ કરી હતી. તબિયત લથડતાં તેમને એમ્બ્યુલન્સ દ્વારા AIIMS લઈ જવામાં આવ્યા હતા.

ધનખડની તબિયત અંગે વિગતવાર માહિતી મળી નથી. AIIMS પ્રશાસને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડે ઑગસ્ટ 2022થી જુલાઈ 2025માં રાજીનામું આપ્યું ત્યાં સુધી ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમના આરોગ્યની સ્થિતિ પહેલા પણ કેટલીક વખત ચિંતાજનક રહી છે.

માર્ચ 2025માં ધનખડને દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે અચાનક ચક્કર અને ગભરામણને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા હતા. હોસ્પિટલમાં જ મધરાતે પણ તેમને ચક્કર આવ્યા હતા અને છાતીમાં અકડામણ અનુભવાતી હતી. ડૉક્ટરોએ તાત્કાલિક સ્ટેન્ટ મૂક્યું હતું. આ પહેલાં પણ તેમને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપવામાં આવી રહી હતી.

જૂન 2025માં નૈનીતાલમાં કુમાઉં યુનિવર્સિટીના સ્વર્ણ જયંતી સમારોહમાં ધનખડ બેભાન થઈ ગયા હતા. તેઓ સંસદમાં તેમના પૂર્વ સહયોગી મહેન્દ્ર સિંહ પાલને ગળે ભેટતી વખતે બેભાન થયા હતા.

જુલાઈ 2026માં ધનખડ નિયમિત તપાસ માટે જયપુરની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં હૃદય સંબંધિત તપાસ બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને બે સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. એન્જિયોગ્રાફી કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સમીન કે. શર્માની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.