સત્ય. સાહસ. સંકલ્પ.

જાફરાબાદમાં શિક્ષક સામે સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, પોલીસે કરી ધરપકડ

જાફરાબાદમાં શિક્ષક સામે સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, પોલીસે કરી ધરપકડ

અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં એક ગંભીર ઘટના સામે આવી છે. સરકારી શાળાના એક શિક્ષક સામે ધોરણ 8ની ચાર વિદ્યાર્થિનીઓ સાથે છેલ્લા બે વર્ષથી શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચરવાનો આરોપ છે. આરોપી શિક્ષકની ધરપકડ જાફરાબાદ પોલીસે કરી છે.

આરોપીની ઓળખ રામશંકર બટુકભાઈ પંડ્યા તરીકે થઈ છે. હાલ તે જાફરાબાદના એક ગામની શાળામાં ધોરણ બેમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામનો રહેવાસી છે. પોલીસ મુજબ, આરોપી અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છે.

રાજુલા DySP નયના ગોરડિયાએ જણાવ્યું કે, જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સો અને દુષ્કર્મ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી એક દીકરીના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી તેના શિક્ષક દ્વારા તેની સાથે વારંવાર શારીરિક અડપલાં કરવામાં આવતા હતા. ગત 21 જુલાઈના રોજ તેની સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું.

DySPએ વધુમાં જણાવ્યું કે, આરોપી શિક્ષક દ્વારા આશરે બે વર્ષથી દીકરીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું, પરંતુ વિદ્યાર્થિનીઓએ ડરના કારણે કોઈને કહ્યું ન હતું. અમરેલી જિલ્લામાં ચાલતા 'મિશન સ્માઈલ' કાર્યક્રમ હેઠળ પોલીસ ટીમે શાળાઓમાં 'ગુડ ટચ અને બેડ ટચ' અંગે માહિતી આપી. આ કાર્યક્રમથી દીકરીઓમાં હિંમત આવી અને તેમણે વાલીને જાણ કરી. વાલીએ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને અન્ય વિદ્યાર્થિનીઓની પૂછપરછ ચાલુ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.