મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ બાદ તેમના પિતા અને બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે શાંત અને દાર્શનિક અંદાજમાં કહ્યું, 'ઉપરવાળાને હાથ જોડીએ છીએ અને આગળ વધીએ છીએ. એક અકસ્માત હતો, બની ગયો. તે પણ એક અનુભવ હતો.'
જેકી શ્રોફનું આ નિવેદન ફિલ્મ 'કાલી ખેતી'ના ઇન્ટરવ્યૂ દરમિયાન આવ્યું છે. તેમણે ઘટનાને લઈને નારાજગી કે આક્રમકતા દાખવવાને બદલે ભગવાનનો આભાર માનીને જીવનમાં આગળ વધવાનો સંદેશ આપ્યો છે. તેમનું કહેવું છે કે જીવનમાં કેટલીક ઘટનાઓ આપણા નિયંત્રણમાં હોતી નથી, તેમ છતાં તેમાંથી બહાર આવીને આગળ વધવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે 18 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈના જુહુમાં ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેથી નીકળતી વખતે ટાઈગર શ્રોફની કાર પર બે હુમલાખોરોએ કથિત રીતે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ટાઈગર સુરક્ષિત રહ્યા હતા, પરંતુ તેમના ડ્રાઇવર અને એક વ્લોગરને ગોળી વાગતાં ઈજા થઈ હતી.
ફાયરિંગ બાદ સોશિયલ મીડિયા પર લોરેન્સ ગેંગના નામે એક પોસ્ટ સામે આવી હતી, જેમાં હુમલાની જવાબદારી લેવાનો દાવો કરવામાં આવ્યો હતો. પોલીસે અનિલ પંડિતને વોન્ટેડ આરોપી જાહેર કર્યો છે અને કથિત કાવતરું, આરોપીઓની ભૂમિકા તથા આર્થિક વ્યવહારોની તપાસ ચાલુ છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 7 ન્યાયિક કસ્ટડીમાં અને 6 પોલીસ કસ્ટડીમાં છે. ધરપકડાયેલા આરોપીઓમાં કથિત શૂટર ફૂલ સિંહ, રેહાન અન્સારી અને ઋતિક મહતોનો સમાવેશ થાય છે. 11 નવેમ્બરે મુંબઈની વિશેષ MCOCA કોર્ટે પાંચ આરોપીઓની પોલીસ કસ્ટડી 16 નવેમ્બર સુધી લંબાવી હતી.
આ કેસમાં સુનેહા પંડિતનું નામ પણ મહત્વનું છે, જેની 1 નવેમ્બરે હરિયાણાના કરનાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે વોન્ટેડ આરોપી અને કથિત ગેંગ લીડર અનિલ પંડિતની સાળી છે. પોલીસને શંકા છે કે સહઆરોપીઓને આર્થિક મદદ આપવા માટે તેના બેંક અકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલે મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ કાયદો (MCOCA) લાગુ કરવામાં આવ્યો છે અને પોલીસ ફાયરિંગના કાવતરાં, હથિયારોની સપ્લાય અને ફંડિંગ નેટવર્કની તપાસ કરી રહી છે.