સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિમાં ગ્લો જાળવવા યુવાનોમાં IV ડ્રીપનો ક્રેઝ: અમદાવાદની ક્લિનિકો બુક, 3 સેશન્સનો ખર્ચ 15 હજાર સુધી

નવરાત્રિમાં ગ્લો જાળવવા યુવાનોમાં IV ડ્રીપનો ક્રેઝ: અમદાવાદની ક્લિનિકો બુક, 3 સેશન્સનો ખર્ચ 15 હજાર સુધી

નવરાત્રિમાં ગરબા રમવા ઉત્સાહિત યુવાનોમાં આ વખતે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ચહેરા પર ગ્લો જળવાઈ રહે અને નવ દિવસ થાક વિના ગરબા રમી શકાય તે માટે અમદાવાદમાં ઘણા યુવાનો 'IV ડ્રીપ થેરાપી' તરફ વળ્યા છે. પહેલાં આ ટ્રેન્ડ મુખ્યત્વે યુવતીઓમાં જોવા મળતો હતો, પણ હવે યુવકો પણ આ થેરાપી લેવા આગળ આવી રહ્યા છે. શહેરની ત્વચા નિષ્ણાતોની ક્લિનિકો નવરાત્રિ પહેલાં બુક થઈ ગઈ છે.

આ થેરાપી શું છે, કોને તેની જરૂર છે અને તે કેવી રીતે લેવી જોઈએ તે અંગે દિવ્ય ભાસ્કરે ડર્મેટોલોજિસ્ટ સાથે વાત કરી હતી.

IV ડ્રીપ એટલે ઇન્ટ્રાવેનસ ડ્રીપ. આ પ્રક્રિયામાં પ્રવાહી, દવા, વિટામિન કે અન્ય તબીબી ઘટકો સીધા નસ દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવે છે. સામાન્ય રીતે હાથની નસમાં લાઇન મૂકીને પ્રવાહી આપવામાં આવે છે. ગ્લો, એનર્જી કે હાઇડ્રેશન માટે વિટામિન્સ, મિનરલ્સ, ગ્લુટાથાયોન, આયર્ન જેવા ઘટકો ધરાવતી ડ્રીપ આપવામાં આવે છે. પણ કોને ખરેખર IVની જરૂર છે, તેમાં શું અને કેટલા પ્રમાણમાં આપવું તે નિર્ણય તબીબી સલાહ બાદ જ લેવો જોઈએ.

અમદાવાદના થલતેજ સ્થિત 'સ્કેનેરા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક'ના ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ડૉ. મોનિકા ટિબ્રેવાલ જણાવે છે કે ગરબાપ્રેમીઓમાં નવરાત્રિ પહેલાં પોતાનું સ્વાસ્થ્ય અને લુક સુધારવા આ ડ્રીપ કરાવવાનું ઘેલું લાગ્યું છે. આ થેરાપીમાં મલ્ટિવિટામિન્સ, વિટામિન C, વિટામિન B1, B3, B6, ઝિંક ક્લોરાઇડ, મેગ્નેશિયમ અને ગ્લુટાથિઓન જેવા મહત્ત્વના માઇક્રોન્યુટ્રિઅન્ટ્સનો સમાવેશ થાય છે. આ ઘટકો ત્વચા, વાળ અને નખની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે અને ચહેરા પર ચમક લાવે છે.

ડૉ. મોનિકા ઉમેરે છે કે જ્યારે આ મલ્ટિવિટામિન્સ સીધા શરીરમાં પહોંચે છે ત્યારે શરીરનું એનર્જી લેવલ વધે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. ભીડવાળા વાતાવરણમાં ગરબા રમતી વખતે ઇમ્યુનિટી ઓછી હોય તો ચેપ કે બીમારીનું જોખમ રહે છે, જેની સામે આ ડ્રીપ રક્ષણ આપી શકે છે. પણ આ ડ્રીપ દરેક વ્યક્તિ માટે એકસરખી હોતી નથી. દરેકનું બોડી ટાઇપ અને જરૂરિયાત અલગ હોવાથી પહેલાં ડૉક્ટર પાસે યોગ્ય તપાસ કરાવવી જરૂરી છે. ત્યાર બાદ જ ડૉક્ટર દર્દીની જરૂરિયાત મુજબ ડ્રીપ કસ્ટમાઇઝ કરીને આપે છે. તેથી આ થેરાપી હંમેશા નિષ્ણાત ડૉક્ટરની દેખરેખમાં જ લેવી જોઈએ, બહાર ગમે ત્યાંથી લેવી યોગ્ય નથી.

ડૉ. મોનિકાના જણાવ્યા મુજબ આ ટ્રેન્ડ એટલો વધ્યો છે કે ક્લિનિક્સ નવરાત્રિ સુધી સંપૂર્ણ બુક થઈ ગઈ છે. રોજના 10થી 15 લોકોને આ ડ્રીપ આપવામાં આવી રહી છે. સારું પરિણામ મેળવવા 2થી 3 સેશન્સ લેવાની સલાહ અપાય છે. એક ડ્રીપનો ખર્ચ આશરે 4,000થી 5,500 રૂપિયા રહે છે. એટલે કે 3 સેશન્સ કરાવનારને લગભગ 12થી 15 હજાર રૂપિયા ખર્ચ થાય છે. યોગ્ય ડૉક્ટરની દેખરેખ હેઠળ લેવામાં આવે તો તેની કોઈ આડઅસર થતી નથી અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.

અન્ય ડર્મેટોલોજિસ્ટ ડૉ. વ્યોમા મહેતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે નવરાત્રિ દરમિયાન લોકો તહેવાર અને ગરબા માટે ફ્રેશ અને ગ્લોઈંગ દેખાવા માગતા હોવાથી કોસ્મેટિક ટ્રીટમેન્ટની માંગ વધે છે. ગ્લુટાથિઓન IV ડ્રીપ વિશે પણ લોકો પૂછી રહ્યા છે. જો કે દરેક વ્યક્તિને ગ્લુટાથિઓન IVની જરૂર હોય કે તેનાથી દરેકને ફાયદો થાય એવું કહી શકાય નહીં. મોટાભાગના લોકો કોસ્મેટિક કારણોસર ગ્લુટાથિઓન IV લે છે. નવરાત્રિમાં ચહેરા પર ગ્લો આવે તે માટે લોકો તેને લેવા માગે છે. પણ ગ્લુટાથિઓન એક એન્ટિઓક્સિડન્ટ છે, તે તરત ગોરાપણું કે ગ્લો આપતી સારવાર નથી. ત્વચાનો રંગ હળવો કરવા ગ્લુટાથિઓન IV કેટલું અસરકારક છે તેના પુરાવા હજુ મર્યાદિત છે.

ડૉ. વ્યોમા મહેતા ઉમેરે છે કે ડિહાઇડ્રેશન માટે જરૂરિયાત પડે ત્યારે IV લેવી ઠીક છે, પણ તેનાથી વધારાનો સ્વાસ્થ્ય લાભ મળે એવું જરૂરી નથી. કોઈપણ થેરાપી લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ.