દેશભરની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી, પાત્રતાના માપદંડો અને શિક્ષક પાત્રતા પરીક્ષણ (TET)ના નિયમોમાં હવે નોંધપાત્ર ફેરફારો થવા જઈ રહ્યા છે. રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ (NCTE)એ 4 વર્ષનો સંકલિત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ (ITEP) પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને પણ સરકારી શાળામાં શિક્ષકની ભરતી અને TET પરીક્ષાઓ માટે લાયક ગણવા માટે નિયમોમાં સુધારાની ભલામણ કરી છે.
આ માટે NCTEએ બે ઉચ્ચ-સ્તરીય નિષ્ણાત સમિતિઓની રચના પણ કરી દીધી છે. આ પગલું એટલા માટે લેવાઈ રહ્યું છે કારણ કે વર્ષ 2023-24ના સત્રમાં શરૂ થયેલા ITEP કોર્સની પ્રથમ બેચ 2027માં સ્નાતક થવાની છે. તેથી, પ્રથમ બેચના સ્નાતકો બહાર પડે તે પહેલાં જ ભરતીના નિયમો અને પાત્રતા પરીક્ષણના માપદંડોમાં જરૂરી ફેરફારો પૂર્ણ કરવાની તૈયારી ચાલી રહી છે.
NEP 2020નો ITEP કોર્સ શું છે?
NCTEએ વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ લાગુ કરાયેલા નવા 5+3+3+4 માળખા અનુસાર શિક્ષકોને તૈયાર કરવા માટે આ ખાસ ITEP કોર્સ શરૂ કર્યો હતો. આ માળખું શાળા શિક્ષણને ચાર તબક્કામાં વિભાજિત કરે છે: ફાઉન્ડેશન સ્ટેજ (5 વર્ષ, 3થી 8 વર્ષના બાળકો), પ્રિપેરેટરી સ્ટેજ (3 વર્ષ, 8થી 11 વર્ષ), મિડલ સ્ટેજ (3 વર્ષ, 11થી 14 વર્ષ) અને સેકન્ડરી સ્ટેજ (4 વર્ષ, 14થી 18 વર્ષ). NEP 2020 મુજબ, આ 4 વર્ષનો ITEP કોર્સ 2030 સુધીમાં શાળામાં શિક્ષક બનવા માટે લઘુત્તમ ફરજિયાત લાયકાત બની જશે.
ITEP કોર્સ B.Ed.થી કેવી રીતે અલગ છે?
અગાઉના નિયમો મુજબ, ઉમેદવારોએ ધોરણ 12 પાસ કર્યા પછી 3 વર્ષનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરવું પડતું હતું અને ત્યારબાદ 2 વર્ષનો B.Ed. અથવા D.El.Ed. કોર્સ કરવો પડતો હતો. આમ વિદ્યાર્થીને કુલ 5 વર્ષનો સમય લાગતો હતો.
જોકે, નવા નિયમ અનુસાર ITEP વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી સીધા જ 4 વર્ષમાં તેમની સ્નાતક અને શિક્ષક શિક્ષણની ડિગ્રીઓ એકસાથે પૂર્ણ કરી શકશે. NCTEના 12 ઓક્ટોબરના આદેશ અનુસાર, દેશભરની 409 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને ITEP અભ્યાસક્રમો ઓફર કરવા મંજૂરી આપવામાં આવી છે. આ સંસ્થાઓમાં 777 એકમો હેઠળ કુલ 38,850 બેઠકો માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
બે ઉચ્ચ-સ્તરીય નિષ્ણાત સમિતિઓની રચના
NCTE દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર, બંને સમિતિઓ હાલના નિયમોની ઝીણવટભરી સમીક્ષા કરશે અને શિક્ષક ભરતી તેમજ TETની માર્ગદર્શિકામાં સુધારાનો મુસદ્દો તૈયાર કરશે. ભૂતપૂર્વ IAS અધિકારી પ્રોફેસર નિર્મલજીત સિંહ કલસીની અધ્યક્ષતામાં બનેલી પ્રથમ સમિતિ શિક્ષકોની ભરતીના નિયમોમાં સુધારો કરશે.
આ સમિતિ NCTEના 2014ના ભરતી પાત્રતાના નિયમોમાં એવો સુધારો સૂચવશે કે જેથી ITEPને માન્ય લઘુત્તમ લાયકાત તરીકે સમાવી શકાય. બીજી તરફ, દિલ્હી યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ચાંદ કિરણ સલુજાની અધ્યક્ષતામાં બનેલી બીજી સમિતિ ITEP સ્નાતકોને શિક્ષક પાત્રતા પરીક્ષામાં બેસવા લાયક બનાવવા માટે હાલની CTET અને રાજ્ય કક્ષાની STET માર્ગદર્શિકાઓની સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે આ ફેરફારો થઈ જાય તો શિક્ષક બનવાનો રસ્તો એક વર્ષ ટૂંકો થશે અને ITEP પૂર્ણ કરનારા ઉમેદવારોને સીધી જ ભરતી અને TET પરીક્ષામાં બેસવાની લાયકાત મળશે.