ઇટાલીમાં શિક્ષણ ભંડોળને લઈને ઝેન-આલ્ફા પેઢીના યુવાનોએ વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યા છે. શનિવારે થયેલા આ પ્રદર્શનો દરમિયાન ઉપદ્રવ થયો હતો, જેમાં પ્રદર્શનકારીઓએ અંદાજે 4,400 કરોડ રૂપિયા (લગભગ 50 મિલિયન યુરો)ની સંપત્તિને આગ ચાંપી દીધી હતી.
એજન્સી ANSAના અહેવાલ મુજબ, રવિવારે પોલીસે આ કેસમાં 200 લોકોની ધરપકડ કરી છે, જેમાં મોટાભાગના 16 વર્ષની આસપાસના સગીરો છે. વડાપ્રધાન મેલોનીએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને હિંસા કરનારાઓને 'દંગાખોર' ગણાવ્યા છે.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે ઇટાલીની સરકાર શિક્ષણ પાછળના ખર્ચને બદલે હથિયારો અને સંરક્ષણ પાછળ વધુ નાણાં ખર્ચી રહી છે. તેમણે 'નો વેપન્સ' (હથિયારો નહીં)ના નારા પણ લગાવ્યા હતા. આંકડાઓ પ્રમાણે, ઇટાલીએ 2024માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના આશરે 4 ટકા, એટલે કે લગભગ 97 બિલિયન ડોલર શિક્ષણ પાછળ ખર્ચ્યા હતા, જ્યારે સંરક્ષણ પાછળ 30થી 50 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. ચર્ચા એવી છે કે આ પગલું અમેરિકા અને નાટોના દબાણમાં લેવામાં આવ્યું છે.
ઇટાલીમાં 2027માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે, તે પહેલાં આ વિરોધ પ્રદર્શનોએ સરકારની ચિંતા વધારી દીધી છે. મેલોનીએ આ સમગ્ર ઘટના માટે વામપંથી નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે વામપંથી નેતાઓએ જ સગીર યુવાનોને ભડકાવ્યા, જેના કારણે આગચંપીની ઘટનાઓ થઈ. તેમણે સ્પષ્ટ કર્યું કે તોફાનીઓ અને ગુનેગારોના જૂથોને બક્ષવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ઇટાલીની સાથે પડોશી દેશ ફ્રાન્સમાં પણ આવા જ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે, જ્યાં રવિવારે 1,500થી વધુ દુકાનો અને સંપત્તિઓને આગ ચાંપવામાં આવી હતી.