ઈટાલીમાં વધતી મોંઘવારી, જીવનજરૂરી ચીજવસ્તુઓના ઊંચા ભાવ અને જાહેર સેવાઓ કથળતી જતી હોવા સામે લોકોનો રોષ રસ્તા પર ઉતરી આવ્યો છે. મિલાન સહિત દેશના અનેક શહેરોમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણો થઈ છે, દુકાનોમાં તોડફોડ અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું છે.
આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સોમવારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે હાઈ-લેવલ બેઠક બોલાવી હતી.
મિલાનમાં 271 યુવાનોની અટકાયત, 32ની ધરપકડ
મિલાનમાં રવિવારે ફાટી નીકળેલા તોફાનો દરમિયાન પોલીસે 271 યુવાનોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ અટકાયતમાં લેવાયેલા લોકોમાંથી 32ની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં 23 સગીરો અને 13 વિદેશી નાગરિકો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. અન્ય 28 લોકો સામે કાયદેસરની તપાસ માટે ન્યાયિક સત્તાવાળાઓને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.
આગચંપી અને લૂંટફાટ, પોલીસે ટીયર ગેસ છોડ્યો
ટેલિવિઝન અને સોશિયલ મીડિયાના ફૂટેજ મુજબ મિલાન શહેરના કેન્દ્રમાં સેંકડો નકાબપોશ દેખાવકારોએ રસ્તા પર ઉતરીને ભારે ઉત્પાત મચાવ્યો હતો. તોફાની તત્વોએ ડસ્ટબિનોમાં આગ લગાવી દીધી હતી અને આસપાસની દુકાનોમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા દંગા-વિરોધી સાધનોથી સજ્જ સુરક્ષા દળોએ દેખાવકારો પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને વોટર કેનનનો ઉપયોગ કરીને ભીડને વિખેરી હતી.
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી
ઈટાલીમાં વણસતી જતી પરિસ્થિતિ વચ્ચે ત્યાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી માટે ભારતીય મિશને તાત્કાલિક એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને સતર્ક રહેવા, ભીડભાડવાળા વિસ્તારો અને વિરોધ પ્રદર્શનના સ્થળોથી દૂર રહેવા તેમજ સ્થાનિક સમાચારો પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
કટોકટીના સંજોગોમાં ભારતીયો નીચેના હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરી શકે છે. રોમ સ્થિત ભારતીય દૂતાવાસનો નંબર +39 331 614 2085 અને મિલાન સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલનો નંબર +39 388 164 7527 જાહેર કરવામાં આવ્યો છે. દૂતાવાસે જણાવ્યું છે કે ભારતીય નાગરિકોએ સ્થાનિક પ્રશાસનના નિયમોનું પાલન કરવું જોઈએ અને મુશ્કેલીના સમયે સીધો સંપર્ક સાધવો જોઈએ.
ઉત્તરી ઈટાલીમાં સતત બીજા દિવસે વિરોધ
ઈટાલીમાં સતત બીજા દિવસે પણ હિંસક વિરોધ જોવા મળ્યો હતો. અગાઉ શનિવારે 17 ઓક્ટોબરે ઉત્તરી ઈટાલીના મિલાન, બોલોન્યા, બ્રેસિયા, બર્ગામો અને ટ્યુરિન સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રવિવારે જારી કરાયેલા પોલીસ રિપોર્ટ મુજબ શનિવારની હિંસાના સંદર્ભમાં 28 દેખાવકારોની ધરપકડ થઈ ચૂકી છે. પ્રદર્શનકારીઓમાં વધતી મોંઘવારી, રહેઠાણ અને દૈનિક જીવનનિર્વાહના ઊંચા ખર્ચ તેમજ નબળી સાર્વજનિક સુવિધાઓ સામે ભારે રોષ છે.
ફ્રાન્સમાં પણ વિરોધ પ્રદર્શનો
માત્ર ઈટાલી જ નહીં, પાડોશી દેશ ફ્રાન્સમાં પણ મોંઘવારી અને જાહેર સેવાઓના કથળતા સ્તર સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. શનિવારે ફ્રાન્સના અનેક શહેરોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં પોલીસ સાથે હિંસક અથડામણો પણ થઈ હતી. સમગ્ર યુરોપમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવો સામે સામાન્ય જનતામાં અસંતોષ વધી રહ્યો છે.