ઇટાલીથી ભારત ફરવા આવેલા એક યુગલે આગ્રામાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. ઇટાલીના લિગુરિયા શહેરના રહેવાસી માટ્ટેઓ અને કેટેરીના લાંબા સમયથી સાથે છે. ભારતની યાત્રા દરમિયાન તેમણે આગ્રામાં લગ્ન કરવાનું નક્કી કર્યું.
યાત્રા દરમિયાન બંનેએ હરિદ્વારમાં ગંગામાં સ્નાન કર્યું હતું અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા હતા. ભારતની પરંપરાઓનો તેમના પર પ્રભાવ પડ્યો અને તેમણે ભારતીય પદ્ધતિથી લગ્ન કરવાનો નિર્ણય લીધો.
મંગળવારે સાંજે સાત વાગ્યે આગ્રામાં પંડિત પ્રવીણ દત્ત શર્માએ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ પૂરી કરાવી. વરરાજા માટ્ટેઓએ પરંપરાગત ધોતી-કુર્તા પહેર્યા હતા, જ્યારે કેટેરીનાએ લાલ બનારસી પોશાક પહેર્યો હતો.
બંનેએ અગ્નિને સાક્ષી રાખીને સાત ફેરા લીધા. પુજારીએ હિન્દી અને અંગ્રેજીમાં દરેક મંત્રનો અર્થ સમજાવ્યો, જેથી દંપતી દરેક પ્રતિજ્ઞાનો અર્થ સમજી શકે. માટ્ટેઓએ કેટેરીનાના કપાળ પર સિંદૂર લગાવ્યું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું.
લગ્ન પછી દંપતીએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી લગ્નનું આયોજન કરી રહ્યા હતા, પરંતુ તારીખ મુલતવી રહી હતી. ભારતની યાત્રા દરમિયાન તેમને લાગ્યું કે આગ્રા અને હિન્દુ પરંપરાઓ કરતાં વધુ સારું સ્થળ તેમના લગ્ન માટે ન હોઈ શકે.
દંપતીએ કહ્યું, "તાજમહેલ દુનિયામાં પ્રેમનું સૌથી મોટું પ્રતીક છે. આવા ઐતિહાસિક શહેરમાં પરંપરાગત વિધિ સાથે લગ્ન કરવો અમારા જીવનની સૌથી યાદગાર ઘટના બની છે."