સત્ય. સાહસ. સંકલ્પ.

આવકવેરા દરોડો: વાસુ ભગનાની અને રકુલ પ્રીત સિંહ સહિત બોલિવૂડ હસ્તીઓ પર ITની કાર્યવાહી

આવકવેરા દરોડો: વાસુ ભગનાની અને રકુલ પ્રીત સિંહ સહિત બોલિવૂડ હસ્તીઓ પર ITની કાર્યવાહી

આવકવેરા વિભાગે મુંબઈમાં 12 સ્થળો પર એક સાથે દરોડા પાડીને બોલિવૂડમાં ચકચાર મચાવી છે. આ કાર્યવાહીમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, તેમના પતિ અને અભિનેતા જેકી ભગનાની, પીઢ ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની તથા પેનોરમા સ્ટુડિયોને નિશાન બનાવવામાં આવ્યા છે.

વાસુ ભગનાની મુંબઈ સ્થિત જાણીતા ફિલ્મ નિર્માતા છે. તેમનો જન્મ 19 એપ્રિલ 1961ના રોજ કલકત્તામાં થયો હતો. આર્થિક તંગીને કારણે તેમણે છઠ્ઠા ધોરણમાં શાળા છોડી દીધી હતી અને ગુજરાન ચલાવવા માટે જુદા જુદા શહેરોમાં કપડાં વેચ્યાં હતાં. 1989માં તેઓ મુંબઈ આવ્યા અને શરૂઆતમાં ટીવીના પાર્ટ્સ અને કપડાંના ઉત્પાદનનું કામ કર્યું. બાદમાં ફિલ્મ નિર્માણમાં પ્રવેશ કર્યો.

1995માં તેમણે પોતાની પ્રોડક્શન કંપની 'પૂજા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડિયા લિમિટેડ'ની સ્થાપના કરી. કંપનીનું નામ તેમણે તેમની પત્ની પૂજાના નામ પરથી રાખ્યું હતું. 'કુલી નંબર 1' (1995)થી શરૂઆત કરનારા ભગનાનીએ 'જીના સિર્ફ મેરે લિયે' (2002), 'શાદી નંબર 1' (2005), 'મિશન રાણીગંજ' (2023), 'ગણપથ' (2023) અને 'બડે મિયાં છોટે મિયાં' (2024) જેવી ફિલ્મો બનાવી છે. 2002માં અનુપમ ખેરના દિગ્દર્શનની 'ઓમ જય જગદીશ' નિષ્ફળ ગઈ, જેને કારણે તેમને આર્થિક ફટકો પડ્યો અને કામચલાઉ ધોરણે રિયલ એસ્ટેટના વ્યવસાય તરફ વળવું પડ્યું.

ભગનાની પરિવાર ફિલ્મ ઉદ્યોગ સાથે ઊંડી રીતે સંકળાયેલો છે. તેમના પુત્ર જેકી ભગનાની અભિનેતા, નિર્માતા અને ઉદ્યોગસાહસિક છે. જેકીના લગ્ન અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાથે થયા છે. તેમની પુત્રી દીપશિખા દેશમુખ પણ પરિવારના પ્રોડક્શન વ્યવસાય સાથે જોડાયેલી છે.

આ દરોડા અંગે આવકવેરા વિભાગ તરફથી હજુ સુધી સત્તાવાર વિગતો જાહેર થઈ નથી. તપાસ ચાલુ હોવાનું મનાય છે.