લાંબા સમયથી નોકરીની શોધમાં બેઠેલા યુવાનો માટે દેશની અગ્રણી આઈટી કંપનીઓમાં ફરી ભરતી શરૂ થઈ છે. છટણી અને મંદીના લાંબા ગાળા પછી આ ક્ષેત્રમાં નવી આશા જાગી છે.
છેલ્લા છ મહિનાના આંકડા જોઈએ તો 24,000થી વધુ કર્મચારીઓને નવી નોકરી મળી છે. આ દર્શાવે છે કે આઈટી ક્ષેત્રે ફરી પોતાની ગતિ પકડી છે.
તાજેતરમાં જાહેર થયેલા ડેટા મુજબ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઇન્ફોસિસ, HCLTech અને ટેક મહિન્દ્રાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ 13,918 નવા કર્મચારીઓની ભરતી કરી છે.
આ આંકડો અગાઉના ક્વાર્ટર કરતાં બમણાથી પણ વધુ છે. પાછલા ક્વાર્ટરમાં આ ચાર કંપનીઓએ મળીને માત્ર 5,480 કર્મચારીઓને જ નોકરી પર રાખ્યા હતા.
કંપનીવાર આંકડા જોઈએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં HCLTech ભરતીમાં સૌથી આગળ રહી છે. કંપનીએ પોતાના સ્ટાફમાં 6,450 નવા કર્મચારીઓ ઉમેર્યા છે.
આ ઉપરાંત ટેક મહિન્દ્રાએ 5,446, ઇન્ફોસિસે 4,480 અને દેશની સૌથી મોટી આઈટી કંપની TCSએ 4,258 યુવાનોને નોકરીની તક આપી છે.
જોકે આ સકારાત્મક માહોલ વચ્ચે વિપ્રો (Wipro)ની સ્થિતિ અલગ રહી છે. વિપ્રોએ આ સમયગાળામાં કર્મચારીઓની સંખ્યામાં કોઈ વધારો કર્યો નથી, ઊલટું તેના સ્ટાફમાં 6,716 કર્મચારીઓનો ઘટાડો નોંધાયો છે. વિપ્રો સિવાયની બાકીની ચાર મોટી કંપનીઓમાં રોજગારીનો ગ્રાફ ઉપર ગયો છે.
હાલમાં આ કંપનીઓ કોલેજમાંથી તાજેતરમાં પાસ થયેલા નવા સ્નાતકો (ફ્રેશર્સ)ની ભરતી પર સૌથી વધુ ધ્યાન આપી રહી છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અન્ય નવી ટેકનોલોજીના પ્રોજેક્ટ્સ માટે યુવા ટેલેન્ટને આકર્ષવા મોટા પાયે પ્રયાસો થઈ રહ્યા છે.
ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં આ કંપનીઓના કુલ કર્મચારીઓની સંખ્યામાં 1,606નો ઘટાડો થયો હતો. તેની સામે આ વર્ષનું ચિત્ર ઉજળું છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં (એપ્રિલથી સપ્ટેમ્બર) 24,398 નવા કર્મચારીઓનો વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષના આ જ સમયગાળામાં માત્ર 2,689 કર્મચારીઓ ઉમેરાયા હતા. આમ આ વર્ષનો આંકડો ગયા વર્ષ કરતાં લગભગ નવ ગણો વધારે છે.