સત્ય. સાહસ. સંકલ્પ.

તુર્કિયામાં કાશ્મીર પર સંમેલન, આતંકી બુરહાનવાનીની તસવીર સાથે ભારત વિરોધી મંચ

તુર્કિયામાં કાશ્મીર પર સંમેલન, આતંકી બુરહાનવાનીની તસવીર સાથે ભારત વિરોધી મંચ

તુર્કિયાના ઈસ્તાંબુલમાં તાજેતરમાં કાશ્મીર મુદ્દે એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પાકિસ્તાનના રાજદૂતો, કાશ્મીર અલગાવવાદી વિચારો સાથે જોડાયેલા પ્રતિનિધિઓ અને વિદેશી શિક્ષણવિદોએ ભાગ લીધો હતો. સંમેલન દરમિયાન આતંકવાદી બુરહાન વાનીની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી અને જૂના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન તુર્કિયના યુવા સંગઠન TUGVA (તુર્કિય જેનક્લિક વક્ફી) દ્વારા તેમના મુખ્યાલયે કરવામાં આવ્યું હતું. સંમેલનમાં ઈસ્તંબુલમાં પાકિસ્તાનના કોન્સલ જનરલ ખ્વાજા ખુર્રમ નઈમ, કહેવાતા ‘વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટ’ના પ્રમુખ ડૉ. મુઝમ્મિલ અય્યુબ ઠાકુર, ‘સેન્ટર ફોર ઈસ્લામ એન્ડ ગ્લોબલ અફેર્સ’ના નિયામક ડૉ. સામી અલ-અરિયાન અને ‘ટર્કિશ રિસર્ચ ફાઉન્ડેશન’ના ઉપપ્રમુખ ડૉ. એનેસ બાયરાકલી હાજર રહ્યા હતા.

સંમેલનમાં ત્રણ સત્રો યોજાયા હતા. પ્રથમ સત્રમાં કાશ્મીર વિવાદની પ્રાદેશિક સ્થિરતા પર અસર, શાંતિ અને ન્યાયની સંભાવનાઓ તથા આંતરરાષ્ટ્રીય સહયોગની ભૂમિકા પર ચર્ચા થઈ હતી. આ સત્રમાં મુઝમ્મિલ અય્યુબ ઠાકુર, સાઉથ એશિયા સ્ટ્રેટેજિક રિસર્ચ સેન્ટરના વડા જમાલ ડેમિર અને ઈસ્તંબુલમાં પાકિસ્તાની કોન્સ્યુલેટના પ્રતિનિધિ ઉઝૈર મહમૂદ ઘુમ્મન સામેલ હતા. મુઝમ્મિલ અય્યુબ ઠાકુરે દાવો કર્યો હતો કે તેઓ કાશ્મીર મુદ્દે જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.

બીજા સત્રમાં હિન્દુત્વ વિચારધારાના પ્રાદેશિક અને વૈશ્વિક પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કાશ્મીર અને પેલેસ્ટાઈનની પરિસ્થિતિઓ વચ્ચેની સમાનતાઓ અને તફાવતો તપાસવામાં આવ્યા હતા. આ સત્રમાં ડૉ. સામી અલ-અરિયાન અને ડૉ. એનેસ બાયરાકલીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્રીજા સત્રમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવ અધિકારોના પરિપ્રેક્ષ્યથી કાશ્મીર વિવાદનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાનો અને ભારતની નીતિઓ પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સંમેલનમાં હાજર કોઈપણ વ્યક્તિએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતી હિંસા અને અરાજક્તા વિશે મૌન સેવ્યું હતું.

પત્રકાર રાજા મુનીબે ‘X’ (ટ્વિટર) પર લખ્યું, “દાયકા જૂની તસવીરોનો ઉપયોગ કરીને એક નિષ્ફળ ગયેલા કથાનકને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરવો, તે પાકિસ્તાન અને તેના દ્વારા સમર્થિત તત્વોની હાર છે. વાસ્તવમાં, કાશ્મીરીઓ આજે જે અશાંતિ અને અત્યાચારનો સામનો કરી રહ્યા છે, તે કાશ્મીરના એ ભાગમાં થઈ રહ્યું છે જે પાકિસ્તાનના ક્રૂર કબજા હેઠળ છે.”

ઉલ્લેખનીય છે કે તુર્કિયાના રાષ્ટ્રપતિ રેચેપ તૈયબ એર્દોગન આ અગાઉ પણ અનેકવાર કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરી ચૂક્યા છે અને સંયુક્ત રાષ્ટ્રમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.