ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)એ દેશના દરિયાકાંઠાના રાજ્યો માટે એક ગંભીર ચેતવણી બહાર પાડી છે. ઈસરોના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષના અંતમાં ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે એક શક્તિશાળી વાવાઝોડું આવવાની શક્યતા છે.
સેટેલાઈટ અને હવામાનના ડેટાના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન ચોમાસા પછીની સિઝનમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આવું વાવાઝોડું આવી શકે છે.
ઈસરોના રિપોર્ટ મુજબ, બંગાળની ખાડી અને અરબ સાગરમાં એકસાથે ત્રણ ચક્રવાતી વાવાઝોડા આકાર લઈ શકે છે. આ વાવાઝોડાની તીવ્રતા છેલ્લા 44 વર્ષની સરખામણીએ સૌથી વધુ વિનાશકારી હોઈ શકે છે. વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, આ ચક્રવાતોની વિનાશક ક્ષમતા છેલ્લા ચાર દાયકાની સરેરાશ કરતાં 83 ટકાથી વધુ રહી શકે છે.
આ સ્થિતિને કારણે આગામી ત્રણ મહિનામાં ગુજરાત સહિતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે પવન, અતિભારે વરસાદ અને ઊંચા મોજાંનો સામનો કરવો પડી શકે છે.
વાવાઝોડાની તાકાત માપવા માટે 'પાવર ડિસિપેશન ઈન્ડેક્સ' (PDI) નો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં પવનની મહત્તમ ઝડપ અને વાવાઝોડું કેટલા સમય સુધી સક્રિય રહે છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. ઈસરોના રિપોર્ટમાં 1982થી 2025 સુધીના ચક્રવાતોની સંખ્યા અને તેમના PDIનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
આ પૂર્વાનુમાન માત્ર ચેતવણી નથી, પરંતુ બચાવ કામગીરી માટે એક મહત્વનો સમયગાળો છે. આ સચોટ અંદાજથી કેન્દ્ર અને રાજ્ય સરકારો, સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને જાનમાલનું નુકસાન અટકાવવા માટે સમયસર તૈયારી કરવાની તક મળશે.