ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ISRO)ના વિજ્ઞાનીઓએ 2026ના છેલ્લા ત્રણ મહિના માટે એક મહત્વની ચેતવણી આપી છે. તેમના અનુમાન પ્રમાણે, ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ઉત્તર હિન્દ મહાસાગરમાં ત્રણ શક્તિશાળી ટ્રોપિકલ સાયક્લોન (વાવાઝોડાં) સર્જાવાની શક્યતા છે. આ વાવાઝોડાંની તાકાત છેલ્લા 44 વર્ષની સરેરાશ કરતાં ઘણી વધારે હોઈ શકે છે.
ISROના રિપોર્ટ મુજબ, 2026ની પોસ્ટ-મોન્સૂન સીઝનમાં બનનારા આ ચક્રવાતોની કુલ તાકાત — પાવર ડિસિપેશન ઇન્ડેક્સ (PDI) — આશરે 13.06 x 10⁶ નોટ્સ³ રહેવાનો અંદાજ છે. આ આંકડો છેલ્લા 44 વર્ષના સરેરાશ કરતાં લગભગ 83 ટકા વધુ છે. એટલે કે, આ વર્ષે ચોમાસા પછીના સમયગાળામાં દરિયામાં વાવાઝોડાની હલચલ ખૂબ તીવ્ર રહેવાની શક્યતા છે.
આ અનુમાન માટે દરિયા અને વાતાવરણના છેલ્લા 40 વર્ષના ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના હવામાનના આંકડાઓના આધારે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચેની સ્થિતિનો અંદાજ મેળવવામાં આવ્યો છે. જોકે, આ રિપોર્ટમાંથી ચોક્કસ તારીખ કે વાવાઝોડું ક્યાં ટકરાશે (લેન્ડફોલ) તેની ચોક્કસ જગ્યાની માહિતી મળતી નથી, પણ સમગ્ર સીઝનની ગંભીરતાનો અંદાજ આવી જાય છે.
ઉત્તર હિન્દ મહાસાગરની આસપાસ આવેલા ભારત સહિતના અનેક દેશોના દરિયાકાંઠાના વિસ્તારો દર વર્ષે વાવાઝોડાની અસર હેઠળ આવે છે. આવી અગાઉથી મળતી ચેતવણીથી સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સમયસર રાહત અને બચાવ કાર્યની તૈયારી કરી શકે છે. માછીમારોને દરિયામાં ન જવા માટે સમયસર સૂચના આપી શકાય છે અને સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની રણનીતિ પહેલેથી બનાવી શકાય છે.