ભારતમાં ઈઝરાયલના રાજદૂત રિયુવેન અઝારે ભારત સહિત વૈશ્વિક સ્તરે આતંકવાદી હુમલાઓની નવી લહેર અંગે ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આતંકીઓ આપણાથી ઝડપી છે, તેથી આપણે વધુ તેજ બનવું પડશે.
રાજદૂતે જણાવ્યું કે ભારત, ઈઝરાયલ અને વિશ્વના તમામ દેશોએ આતંકવાદની નવી લહેરનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. આતંકવાદી સંગઠનો સરકારો અને સુરક્ષા એજન્સીઓ કરતાં વધુ ઝડપે પોતાની તૈયારી વધારી રહ્યા છે, તેથી સુરક્ષા તંત્રએ પણ વધુ ઝડપથી કામ કરવું પડશે.
છેલ્લા એક વર્ષમાં હમાસના વરિષ્ઠ કમાન્ડરો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સક્રિય જોવા મળ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. તેમણે કહ્યું કે હમાસના અગ્રણી નેતાઓ નાઝી ઝાહિર અને ખાલિદ અલ-કદૂમી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં પણ સામેલ થયા છે. વર્ષ 2025નો પહલગામ આતંકી હુમલો આ પ્રભાવનું ઉદાહરણ છે. જોકે, પડદા પાછળ શું ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ વિગતો હજી સ્પષ્ટ નથી.
આ ચેતવણી ફ્લાયદુબઈ વિમાનમાં બનેલી ઘટનાની તપાસ વચ્ચે આવી છે. ઓમાનના કો-પાઇલટ હમામ અલ-હમ્મામીએ ભારતીય કૅપ્ટન સ્મિત મછાર પર હુમલો કરીને 174 મુસાફરો ભરેલા વિમાનનું નિયંત્રણ લેવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાઓ છતાં કૅપ્ટને મુકાબલો કરી કોકપિટ ખોલી નાખતાં મુસાફરોએ કો-પાઈલટ પર કાબૂ મેળવ્યો અને વિમાનનું સાઉદી અરેબિયામાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાયું.
રાજદૂતે કહ્યું કે તપાસમાં હજુ સ્પષ્ટ નથી થયું કે આ કોઈ એક વ્યક્તિનું કૃત્ય હતું કે તેની પાછળ કોઈ મોટું કાવતરું હતું, પરંતુ આ એક ગંભીર અને જીવંત ખતરો છે. આવી કટોકટીમાં ઈઝરાયલની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું કે વાયુસેનાને તાત્કાલિક ઍલર્ટ કરવામાં આવે છે અને રાજકીય નેતૃત્વને જાણ કરાય છે, ત્યારબાદ વિમાનને રોકવાનો નિર્ણય લેવાય છે. જો 9/11 જેવો ખતરો હોવાની આશંકા ઊભી થાત, તો ઈઝરાયલ વિમાનને તોડી પાડવા સુધીનો નિર્ણય પણ લઈ શક્યું હોત. જોકે વિમાન સાઉદી અરેબિયા તરફ વળતાં તૈનાત કરાયેલા ફાઇટર જેટ્સને પરત બોલાવી લેવાયા હતા.
કૅપ્ટન સ્મિત મછાર અને મુસાફરોની બહાદુરીને સલામ કરતાં રિયુવેન અઝારે કહ્યું કે તેમના અદ્ભુત સાહસ અને હિંમતના કારણે જ આ હુમલો નિષ્ફળ સાબિત થયો છે.