ઈઝરાયલની રાજનીતિમાં હાલ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. તાજેતરની સંસદીય ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની લિકુડ પાર્ટી 27 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ સરકાર રચવા માટે જરૂરી 61 બેઠકો મેળવવામાં તેમને મુશ્કેલી પડી રહી છે.
ઈઝરાયલની 120 સભ્યોની સંસદ નેસેટમાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 61 બેઠકોની જરૂર પડે છે. લિકુડ પાર્ટીને 27 બેઠકો મળી છે, જ્યારે તેમના જમણેરી ગઠબંધનને કુલ 53 બેઠકો મળી છે.
બીજી તરફ, પૂર્વ સૈન્ય પ્રમુખ ગાદી આઈઝનકોટના નેતૃત્વ હેઠળના ગઠબંધનની સ્થિતિ જોઈએ તો, તેમની યાસર પાર્ટી પાસે 21 બેઠકો છે. આ ઉપરાંત નફતાલી બેનેટની પાર્ટીને 12, ડેમોક્રેટ્સને 8 અને યિસરાએલ બેતેનુને 7 બેઠકો મળી છે, જેથી આ તમામ પક્ષો પાસે કુલ 48 બેઠકો છે. આ સ્થિતિમાં આરબ સમાજની બે પાર્ટી કિંગમેકરની ભૂમિકા ભજવી રહી છે. તેમની પાસે કુલ 19 બેઠકો છે અને તેમણે આઈઝનકોટને સમર્થન જાહેર કર્યું છે.
ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સાથે યોજાયેલી બેઠકમાં સ્થિતિ સ્પષ્ટ થઈ છે કે, 67 સાંસદોએ આઈઝનકોટને વડાપ્રધાન બનાવવા માટે સમર્થન આપ્યું છે, જ્યારે 46 સાંસદોએ નેતન્યાહુના નામની ભલામણ કરી છે. જો કે, 'યુનાઇટેડ તોરાહ જુદાઇઝ્મ'ના સાત સાંસદોએ કોઈ પણ ઉમેદવારને સમર્થન આપ્યું નથી.
હવે રાષ્ટ્રપતિ હર્ઝોગ રવિવારે વડાપ્રધાન પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. નિયમ મુજબ, ચૂંટાયેલા ઉમેદવારને સરકાર બનાવવા 28 દિવસનો સમય મળશે, જેને જરૂર પડ્યે વધુ 14 દિવસ સુધી લંબાવી શકાય છે. જો કે, સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર રચાશે ખરી? આરબ પક્ષો સાથેના ગઠબંધન અને સૈન્યમાં ભરતી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર હજુ સુધી કોઈ સ્પષ્ટ સહમતિ સધાઈ નથી. જો રાજકીય પક્ષો વચ્ચેની વાતચીત નિષ્ફળ જશે, તો ઈઝરાયલની પ્રજાએ વધુ એક ચૂંટણીનો સામનો કરવો પડે તેવી પૂરી શક્યતા છે.