સત્ય. સાહસ. સંકલ્પ.

ઇઝરાયલમાં નેતન્યાહૂને રોકવા માટે આઇઝનકોટના 8 બિલ, સંસદમાં ટકરાવ

ઇઝરાયલમાં નેતન્યાહૂને રોકવા માટે આઇઝનકોટના 8 બિલ, સંસદમાં ટકરાવ

ઇઝરાયલમાં રાજકીય સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફરી વડાપ્રધાન બનતા રોકવા માટે ગાદી આઇઝનકોટે સંસદમાં 8 બિલ રજૂ કર્યા છે. આ બિલોમાં એક મહત્વનું બિલ એવું છે જે હેઠળ ભ્રષ્ટાચારના કેસોમાં ટ્રાયલનો સામનો કરી રહેલા નેતા અથવા સાંસદ વડાપ્રધાન બની શકશે નહીં. નેતન્યાહૂ સામે ભ્રષ્ટાચારના ત્રણ કેસ ચાલી રહ્યા છે. જો આ બિલ પાસ થશે તો તેઓ ફરીથી વડાપ્રધાન નહીં બની શકે.

આ ઉપરાંત, વડાપ્રધાન પદ પર રહેવાનો સમયગાળો નક્કી કરવા અને નેતન્યાહૂ સરકારના કેટલાક જૂના નિર્ણયો રદ કરવાની પણ તૈયારી છે. આઇઝનકોટના પ્રસ્તાવ મુજબ, કોઈ પણ વ્યક્તિ નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી વડાપ્રધાન પદ પર રહી શકશે નહીં. આનાથી નેતન્યાહૂ જેવા નેતાઓ લાંબા સમય સુધી સત્તામાં રહી શકશે નહીં. નેતન્યાહૂ ઇઝરાયલના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા છે.

બીજું બિલ 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના હુમલાની તપાસ સંબંધિત છે. ગાદી ઇચ્છે છે કે એક સ્વતંત્ર આયોગ તપાસ કરે કે હુમલા પહેલાં ઇઝરાયલની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ ક્યાં ચૂકી હતી. આયોગના સભ્યોની પસંદગી સુપ્રીમ કોર્ટ કરશે. આ તપાસમાં નેતન્યાહૂ સરકારની જવાબદારી પણ નક્કી થઈ શકે છે.

ત્રીજું બિલ અદાલતોની સત્તા વધારવા સંબંધિત છે. નેતન્યાહૂ સરકારે એવા કાયદા બનાવ્યા હતા જેનાથી અદાલતોની સત્તા ઘટી હતી. આઇઝનકોટ આ કાયદાઓ રદ કરવા માગે છે. તેનાથી અદાલતો સરકારના નિર્ણયોની વધુ તપાસ કરી શકશે અને ખોટા જણાય તો તેમને રોકી પણ શકશે.

આઇઝનકોટનો પક્ષ સંસદના હાલના સ્પીકર ઓહાનાને હટાવીને તેમની જગ્યાએ કહાનાને લાવવા માગે છે. ઓહાના નેતન્યાહૂના સમર્થક છે. સ્પીકર બદલવાથી ગાદી આઇઝનકોટના પક્ષને સંસદમાં પોતાના બિલ પસાર કરાવવામાં મદદ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે નવી સરકાર બનાવવાની જવાબદારી ગાદી આઇઝનકોટને સોંપી છે. આઇઝનકોટ પાસે સરકાર બનાવવા માટે 6 અઠવાડિયાનો સમય છે. આ દરમિયાન તેમણે સંસદમાં બહુમતી સાબિત કરવી પડશે. સરકાર બનાવવા માટે 61 સાંસદોના સમર્થનની જરૂર છે. આઇઝનકોટના ગઠબંધનને 6 પાર્ટીઓના 67 સાંસદોએ સમર્થન આપ્યું છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પાસે 46 સાંસદોનું સમર્થન છે, જે બહુમતીના આંકડાથી ઘણું દૂર છે.

નેતન્યાહૂને સત્તાથી દૂર રાખવા માટે આરબ પાર્ટીઓએ આઇઝનકોટને સમર્થન આપવાની વાત કહી છે. જોકે તેના બદલામાં આ પાર્ટીઓએ કેટલીક માગણીઓ મૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ આવાસ અને અપરાધ સંબંધિત કાયદાઓમાં ફેરફાર ઇચ્છે છે. આરબ પાર્ટીઓ કામિનિત્ઝ કાયદો રદ કરવા માગે છે. આ કાયદા હેઠળ સરકારી મંજૂરી વિના બનાવવામાં આવેલા ઘરો પર દંડ ફટકારી શકાય છે અને તેમને તોડી પાડવાનો આદેશ આપી શકાય છે. આરબ પાર્ટીઓનું કહેવું છે કે તેમના વિસ્તારોમાં ઘર બાંધવા માટેની સરકારી મંજૂરી સરળતાથી મળતી નથી. આવી સ્થિતિમાં લોકોને મજબૂરીવશ મંજૂરી વિના ઘર બનાવવા પડે છે. બાદમાં આ જ કાયદા હેઠળ તેમના ઘરો સામે કાર્યવાહી કરવામાં આવે છે. તેથી તેઓ આ કાયદો રદ કરવા માગે છે.

બીજી તરફ, ગાદી આઇઝનકોટ સરકાર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, જેનો નેતન્યાહૂના સમર્થકો વિરોધ કરી રહ્યા છે. યેરુશલેમમાં સંસદની બહાર સેંકડો લોકો એકત્ર થયા હતા. તેમાં નેતન્યાહૂના સમર્થકો અને જમણેરી સંગઠનો સામેલ હતા. પ્રદર્શનકારીઓનો વિરોધ એ વાતને લઈને હતો કે ગાદી આરબ પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવવા માંગે છે. તેમણે ચેતવણી આપી કે આવી સરકાર બનશે તો દેશમાં ગૃહયુદ્ધ ફાટી શકે છે. પ્રદર્શન દરમિયાન લોકોએ 'અમને યહૂદી રાષ્ટ્ર જોઈએ' અને 'આતંકવાદીઓ સાથે સરકાર ન બનાવો' જેવા નારા લગાવ્યા હતા. પ્રદર્શનનું આયોજન દક્ષિણપંથી સંગઠન ઈમ તિર્ત્ઝૂએ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવીને ફરીથી મતદાન કરાવવાની માગ પણ કરી હતી.