ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન વિરુદ્ધ ફરી સૈન્ય કાર્યવાહી શરૂ કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર દબાણ વધાર્યું છે. આ સંદર્ભમાં ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના વડા રોમન ગોફમેન શુક્રમવારે (13 ઓક્ટોબર, 2026) વોશિંગ્ટન પહોંચ્યા છે.
અમેરિકન ન્યૂઝ વેબસાઇટ એક્સિયોસના રિપોર્ટ અનુસાર, તેઓ સીઆઈએના ડિરેક્ટર જોન રેટક્લિફ સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ વ્હાઇટ હાઉસના રાજદૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત માટે મિયામી જઈ શકે છે.
મોસાદ વડાની આ મુલાકાત એવા અહેવાલો વચ્ચે થઈ રહી છે કે નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે ઈરાન યુદ્ધ અંગે ફોન પર વાતચીત થઈ હતી. જોકે, નેતન્યાહૂના કાર્યાલયે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.
તાજેતરના દિવસોમાં ટ્રમ્પ અને નેતન્યાહૂના ઈરાન અંગેના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળ્યો છે. કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસિમ અલ થાની સાથે મુલાકાત કર્યા બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથેની વાતચીતમાં સકારાત્મક ગતિ આવી છે અને તેમણે અગાઉના વલણથી વિપરીત હાલ માટે નવા હુમલાઓ પર રોક લગાવવાનો સંકેત આપ્યો છે.
ટ્રમ્પે કહ્યું કે તેઓ હાલ માટે યથાસ્થિતિ જાળવી રહ્યા છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક અહેવાલ મુજબ, નેતન્યાહૂ ટ્રમ્પને દરરોજ ફોન કરીને તેહરાન પર હુમલા ફરી શરૂ કરવા માટે કહે છે. નેતન્યાહૂએ મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે ઈરાન ઈઝરાયલનો નાશ કરવાની પોતાની યોજનાઓ છોડી રહ્યું નથી અને આ ખતરાને કાયમ માટે દૂર કરવાનો એકમાત્ર રસ્તો ઈરાનમાં આયાતુલ્લાહના શાસનને ઉથલાવી નાખવાનો છે.
બંને નેતાઓને તાજેતરમાં પોતપોતાના દેશોમાં મોટી ચૂંટણીમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. નેતન્યાહૂના લિકુડ પાર્ટી ગઠબંધનને ઈઝરાયલની 120 બેઠકોવાળી સંસદમાં 53 બેઠકો જીતવાનો અંદાજ છે, જે જરૂરી 61 બેઠકોવાળી બહુમતીથી ઓછી છે. દરમિયાન નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ યુએસ કોંગ્રેસ પરનું નિયંત્રણ ગુમાવ્યું. ચૂંટણીમાં થયેલા પરાજય બાદ ટ્રમ્પ હવે ઈરાન પર મોટો હુમલો કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે અને તેમની સરકારનું માનવું છે કે ઈરાનને વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે માત્ર આર્થિક દબાણ પૂરતું છે.
આ વર્ષના ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર સંયુક્ત હુમલા શરૂ કર્યા જેના કારણે ઈરાને ખાડીમાં યુએસ બેઝને નિશાન બનાવવાનું શરૂ કર્યું. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ પણ રોકી દીધું જેના કારણે અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી કરી હતી. જૂનમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ માળખા પર સંમતિ સધાઈ હતી પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ જેવા જટિલ મુદ્દાઓને કારણે તે ટૂંક સમયમાં તૂટી પડી હતી.