ઈઝરાયલમાં 27 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી પહેલાં ઈરાન પર સૈન્ય હુમલા મુદ્દે પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂ અને આર્મી ચીફ એયાલ ઝમીર વચ્ચે મતભેદ સર્જાયા હોવાના અહેવાલ છે. નેતન્યાહૂના હુમલાના નિર્દેશ સામે આર્મી ચીફે ચૂંટણી ટાણે સંઘર્ષ વધવાની આશંકા વ્યક્ત કરી વધુ ચર્ચા અને લિખિત મંજૂરીની માંગ કરી હતી. જોકે, રાજકીય વર્તુળોએ આ વાતને પાયાવિહોણી ગણાવી છે.
એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રમુખ નેતન્યાહૂએ સૈન્ય પ્રમુખ સાથેના તણાવના દાવાને બકવાસ ગણાવતા કહ્યું કે, 'આર્મી ચીફ સાથે કોઈ વિવાદ નથી. મેં IDF અને મોસાદને ઈરાનની સત્તાને તોડી પાડવાના નિર્દેશ આપ્યા છે.' બીજી તરફ, અહેવાલો મુજબ આર્મી ચીફે ખાનગી બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો કરવાની કોઈ ઓપરેશનલ જરૂરિયાત દેખાતી નથી.
આ અહેવાલો બહાર આવ્યા બાદ ઈઝરાયલના વિપક્ષી નેતાઓએ નેતન્યાહૂ પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતાઓ ગાદી આઈઝનકોટ, યાઈર લેપિડ અને એવિગ્દોર લિબરમેને આરોપ લગાવ્યો છે કે નેતન્યાહૂ પોતાના રાજકીય ફાયદા અને ચૂંટણી ટાળવા માટે દેશની સુરક્ષાને દાવ પર લગાવીને ઈરાન સાથે તણાવ વધારી રહ્યા છે. વિપક્ષે આર્મી ચીફનો પક્ષ લેતા કહ્યું કે સેનાને ચૂંટણી પ્રચારનો હિસ્સો બનવા દેવાશે નહીં.
નેતન્યાહૂએ દાવો કર્યો હતો કે તેમની પાસે ગુપ્ત માહિતી છે કે ઈરાન ચૂંટણીમાં અડચણ ઊભી કરવા હુમલો કરી શકે છે અને ઈઝરાયલી સેના કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે. આ સામે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ વળતો જવાબ આપતા જણાવ્યું કે જો ફરી યુદ્ધ શરૂ થશે તો પણ ઈરાનની નીતિઓ બદલાશે નહીં અને ઈઝરાયલને તેના પરિણામો ભોગવવા પડશે. ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા વિરામ બાદ પણ હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે.