ઈઝરાયલમાં રાજકીય અનિશ્ચિતતા વચ્ચે નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના મુખ્ય હરીફ અને યેશ અતીદ પાર્ટીના વડા ગાદી આઈસેનકોટને મુખ્ય અરબ પાર્ટી જોઈન્ટ લિસ્ટ (11 બેઠકો) અને રાઆમ પાર્ટી (8 બેઠકો)નું સમર્થન મળ્યું છે. આ પક્ષો રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સમક્ષ આઈસેનકોટને વડાપ્રધાન તરીકેની ભલામણ કરશે.
જોઈન્ટ લિસ્ટના ત્રણેય ઘટક દળોએ સંયુક્ત બેઠક બાદ જણાવ્યું કે આ નિર્ણય નેતન્યાહુ અને તેમની સરકારને ફરી સત્તામાં આવતી રોકવા માટે લેવાયો છે. પક્ષનું માનવું છે કે આ પગલાથી ઈઝરાયલમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા મજબૂત બનશે. જોઈન્ટ લિસ્ટનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને સત્તાવાર પત્ર સોંપશે.
ઈઝરાયલની 120 સભ્યોવાળી સંસદમાં સરકાર બનાવવા માટે 61 બેઠકોની જરૂર હોય છે. આઈસેનકોટના નેતૃત્વ હેઠળના ગઠબંધન પાસે 48 બેઠકો છે. જોઈન્ટ લિસ્ટની 11 અને રાઆમની 8 બેઠકોના ટેકા સાથે કુલ સંખ્યાબળ 67 થઈ જાય છે. નેતન્યાહુ કરતાં વધુ સાંસદોનું સમર્થન મળતાં રાષ્ટ્રપતિ આઈસેનકોટને સરકાર રચવાનું આમંત્રણ આપે તેવી શક્યતા છે.
રાઆમ પાર્ટીના વડા મન્સૂર અબ્બાસે જણાવ્યું છે કે તેમની પાર્ટી હમાસના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનું સમર્થન કરે છે, જે આઈસેનકોટની ગઠબંધન શરતોમાં મુખ્ય મુદ્દો છે. તેમણે વધુમાં કહ્યું કે અરબ સમાજ અને નાગરિકો શાંતિના સેતુ સમાન છે અને તેમને આતંકવાદના સમર્થક કે દેશદ્રોહી તરીકે ન જોવા જોઈએ.