ફ્લાયદુબઈની ઘટના બાદ ઇઝરાયલે તેના હવાઈ સુરક્ષા નિયમો કડક કર્યા છે. એર ફ્રાન્સ સહિતની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પાકિસ્તાન, ઈરાન અને સાઉદી અરેબિયા સહિત 31 દેશોના પાઇલટ અને કેબિન ક્રૂ પર ઇઝરાયલ જતી ફ્લાઇટ્સમાં ફરજ બજાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
એર ફ્રાન્સે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેઓ ઇઝરાયલના નવા નિયમોનું પાલન કરી રહ્યા છે, જે અંતર્ગત ચોક્કસ દેશોના ફ્લાઇટ ક્રૂ સભ્યોને ઇઝરાયલ માટે ફ્લાઇટ ઓપરેટ કરવાની મંજૂરી નથી. આ નીતિથી 31 દેશોના નાગરિકો પ્રભાવિત થયા છે, જેમાં મોટાભાગે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો જેમ કે પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા, અલ્જીરિયા, ઓમાન, નાઇજર અને ટ્યુનિશિયાનો સમાવેશ થાય છે.
અલ જઝીરાના અહેવાલ મુજબ, એર ફ્રાન્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “અન્ય તમામ એરલાઇન્સની જેમ, એર ફ્રાન્સે પણ જે દેશોમાં તે સેવાઓ આપે છે ત્યાંના સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત એન્ટ્રી નિયમોનું ચુસ્ત પાલન કરવું પડે છે, પછી ભલે તે નિયમો ગ્રાહકો માટે હોય કે કર્મચારીઓ માટે. તેલ અવીવ તરફ જતી ફ્લાઇટ્સ માટે ઇઝરાયલી ઓથોરિટી દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો અંગે સંબંધિત સ્ટાફને માહિતગાર કરી દેવામાં આવ્યા છે.”
ઇઝરાયલી બ્રોડકાસ્ટર N12 ના અહેવાલ મુજબ, ફ્લાયદુબઈની ઘટના બાદ ઇઝરાયલના પરિવહન અને રોડ સેફ્ટી મંત્રાલયે 1 ઓક્ટોબરના રોજ વિદેશી એરલાઇન્સને કડક સંદેશ મોકલ્યો હતો. મંત્રાલયે આદેશ આપ્યો છે કે ઇઝરાયલના એરસ્પેસમાં ઉડાન ભરતા પાઇલટ્સ અને કેબિન ક્રૂ પાસે એવા દેશોની નાગરિકતા કે ડ્યુઅલ સિટિઝનશિપ ન હોવી જોઈએ જે દેશો સાથે ઇઝરાયલના રાજદ્વારી સંબંધો નથી.
ઉલ્લેખનીય છે કે ઓમાની પાઇલટ દ્વારા ફ્લાયદુબઈ ફ્લાઇટને હાઇજેક કરવાના કરાયેલા નિષ્ફળ પ્રયાસ બાદ ઇઝરાયલે આ આકરું પગલું ભર્યું છે. આ ફ્લાઇટને ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે સમયસૂચકતા દાખવીને ક્રેશ થતાં બચાવી લીધી હતી.