ઈઝરાયલની 120 બેઠકો ધરાવતી સંસદ (નેસેટ)ની ચૂંટણીમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) અનુસાર, 89.8% મતોની ગણતરી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વ હેઠળના દક્ષિણપંથી ગઠબંધનને 53 બેઠકો મળી છે, જ્યારે મુખ્ય વિપક્ષી નેતા ગાદી આઈઝનકોટની 'યશર' પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 48 બેઠકો મળી છે.
આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર પરિણામ અરબ પક્ષોનું આવ્યું છે. 'જોઈન્ટ લિસ્ટ' અને 'રામ' પક્ષોએ મળીને કુલ 19 બેઠકો જીતી છે, જે તેમનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ આ પક્ષો વધુમાં વધુ 15 બેઠકો મેળવી શક્યા હતા. આ જ કારણસર અરબ પક્ષો 'કિંગમેકર'ની ભૂમિકામાં આવી ગયા છે.
સરકાર રચવા માટે 61 બેઠકોની સ્પષ્ટ બહુમતી જરૂરી છે. બંને મુખ્ય ગઠબંધનો બહુમતીથી દૂર હોવાથી અરબ પક્ષોનો ટેકો નિર્ણાયક બન્યો છે. અરબ પક્ષો ગાદી આઈઝનકોટ સાથે મળીને સરકાર બનાવવા તૈયારી દર્શાવી ચૂક્યા છે, જેના કારણે નેતન્યાહૂની સત્તા પર સવાલ ઊભો થયો છે.
ચૂંટણી પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં આઈઝનકોટનું ગઠબંધન આગળ હતું, પરંતુ મતગણતરી આગળ વધતાં ચિત્ર બદલાયું અને નેતન્યાહૂની લિકુડ પાર્ટી આગળ નીકળી. પક્ષવાર સંભવિત બેઠકો: લિકુડ 26, યશર 21, બીયાચાદ અને જોઈન્ટ લિસ્ટ 12-12, અન્ય નાના પક્ષો 7-8, રિલિજિયસ ઝાયોનિઝમ 6.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર હજુ 4.3 થી 4.8 લાખ 'ડબલ એન્વલપ' મતોની ગણતરી બાકી છે, જેમાં સૈનિકો, કેદીઓ, વિદેશમાં તૈનાત રાજદૂતો અને દિવ્યાંગોના મતોનો સમાવેશ થાય છે. ગુરુવારે સાંજે આ ગણતરી પૂર્ણ થશે અને અધિકૃત અંતિમ પરિણામો 4 નવેમ્બરે જાહેર થશે.