ઇઝરાયલમાં આ અઠવાડિયે યોજાયેલી ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપના આરોપો સામે ગુપ્તચર એજન્સી મોસાદ અને આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટ સંયુક્ત તપાસ હાથ ધરશે. ન્યૂઝ ચેનલ 12ના અહેવાલ મુજબ, આ તપાસમાં બંને એજન્સીઓ સામેલ થશે.
આરોપ છે કે કતાર અને અન્ય કેટલાક દેશોએ મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં અરબ મતદારોને પૈસા આપીને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ચૂંટણીમાં અરબ પાર્ટીઓને કુલ 19 બેઠકો મળી છે, જે ઇઝરાયલના ઇતિહાસમાં તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમની પાર્ટીના નેતાઓએ પણ અરબ પાર્ટીઓ પર ચૂંટણીમાં ગેરરીતિના આરોપો લગાવ્યા છે.
ઇઝરાયલના કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે તપાસનો વ્યાપ મર્યાદિત છે અને આ મામલાથી ચૂંટણીના પરિણામો પર કોઈ અસર થઈ નથી કે પરિણામો પર કોઈ સવાલ ઊભો થતો નથી.
આ વચ્ચે, ઇઝરાયલમાં આજે યહૂદી અને અરબ પાર્ટીઓને સાથે લઈને સરકાર બનાવવાના સમર્થનમાં અનેક શહેરોમાં પ્રદર્શનો યોજાવાના છે. સ્ટેન્ડિંગ ટુગેધર ગ્રુપે સાંજે 7:30 વાગ્યે તેલ અવીવના હબીમા સ્ક્વેર, યરુશલેમના પેરિસ સ્ક્વેર, બીરશેબા, હાઇફા અને તાયબેમાં પ્રદર્શનોની જાહેરાત કરી છે.
બીજી તરફ, ઇઝરાયલ બેટેનુ પાર્ટીના વડા એવિગડોર લિબરમેને સ્પષ્ટ કહ્યું છે કે તેમની પાર્ટી એવી કોઈ પણ સરકારમાં સામેલ નહીં થાય જેમાં તેમના મતે આતંકવાદનું સમર્થન કરનારા લોકો હોય. લિબરમેને શુક્રવારે ફેસબુક પર પોસ્ટ કરીને અનેક અરબ અને ડાબેરી નેતાઓની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આતંકવાદીઓને સમર્થન આપનારાઓએ તેની કિંમત ચૂકવવી જોઈએ.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પુત્ર યાયર નેતન્યાહૂએ ઇઝરાયલના અરબ નાગરિકોને દેશના અસ્તિત્વ માટેનો સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ બાદ ઇઝરાયલી અરબ નાગરિકો દેશ માટે સૌથી મોટો પડકાર છે. ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, યાયરે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચૂંટણી પરિણામોને લઈને આ નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે વેસ્ટ બેન્ક અને ગાઝાના પેલેસ્ટિનિયનો, તુર્કિયે અને પશ્ચિમી દેશોમાં વધતા યહૂદીવિરોધ કરતાં પણ મોટો ખતરો ઇઝરાયલના અરબ નાગરિકોથી છે. યાયરે લખ્યું કે ઇઝરાયલ લાંબા સમય સુધી એવી પરિસ્થિતિમાં ટકી શકતું નથી જ્યાં તેની 20% વસ્તી તેના દુશ્મનોનું સમર્થન કરતી હોય અને દેશનો વિનાશ ઇચ્છતી હોય.
અહેવાલ છે કે ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સહયોગી પક્ષ 'યુનાઇટેડ ટોરા જુડિઝમ' દ્વારા વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટને વડાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પક્ષને ચૂંટણીમાં 7 બેઠકો મળી છે. ચેનલ 12ના રિપોર્ટ મુજબ, પક્ષે સમર્થનના બદલામાં 'હરેદી' સમુદાયના લોકોને ફરજિયાત સૈન્ય સેવામાંથી મુક્તિ આપવાની માંગ કરી છે. ઇઝરાયલમાં સામાન્ય રીતે નાગરિકો માટે લશ્કરમાં સેવા આપવી ફરજિયાત હોય છે, જોકે હરેદી સમુદાયના ધાર્મિક વિદ્યાર્થીઓને અત્યાર સુધી મોટા પાયે આમાંથી છૂટછાટ મળતી રહી છે.
ઇઝરાયલમાં સરકાર બનાવવા માટે પસંદ કરાયેલા નેતાને શરૂઆતમાં 28 દિવસનો સમય મળે છે. જરૂર પડે ત્યારે રાષ્ટ્રપતિ તેને વધુ 14 દિવસ લંબાવી શકે છે, એટલે કે સરકાર બનાવવા માટે કુલ 42 દિવસ મળી શકે છે. આ દરમિયાન નેતાએ અન્ય પક્ષો સાથે વાતચીત કરીને સમર્થન મેળવવાનું હોય છે. આ માટે પક્ષો વચ્ચે નીતિઓ અને મંત્રીપદોને લઈને સમજૂતીઓ થઈ શકે છે. સરકાર બનાવવા માટે સામાન્ય રીતે સંસદમાં 61 બેઠકોનું સમર્થન જરૂરી હોય છે. જો નેતા 61 બેઠકોનું સમર્થન ન મેળવી શકે, તો તેઓ નાના પક્ષોના સહયોગથી લઘુમતી સરકાર બનાવવાનો અથવા બે નેતાઓ વચ્ચે વારાફરતી વડાપ્રધાન બનવાનો કરાર કરવાનો પ્રયાસ પણ કરી શકે છે.
ધ યરૂશલેમ પોસ્ટ અનુસાર, અમેરિકી પ્રમુખ ટ્રમ્પના વિરોધના કારણે ઇઝરાયલે ઇરાન પર નવા હુમલા કર્યા નથી. ઇઝરાયલના ચૂંટણી પરિણામો પછી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ માટે ઇરાન સામે નવા હુમલાના સમય પર અસર પડી શકે છે.