ઈઝરાયેલમાં રાજકીય સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગે વિપક્ષી નેતા ગાડી આઈઝેનકોટને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. આનો અર્થ એ છે કે લાંબા સમયથી વડાપ્રધાન રહેલા બેન્જામિન નેતન્યાહૂનો કાર્યકાળ હવે પૂરો થવા જઈ રહ્યો છે.
ગત 27 ઓક્ટોબરે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ગાડી આઈઝેનકોટના નેતૃત્વ હેઠળના ગઠબંધને 48 બેઠકો મેળવી હતી. ત્યારબાદ અરબ પક્ષોના 19 ધારાસભ્યોએ પણ તેમને સમર્થન આપ્યું, જેથી કુલ સમર્થન 67 સુધી પહોંચ્યું. ઈઝરાયેલની 120 સભ્યોની સંસદ 'નેસેટ'માં બહુમતી માટે 61 બેઠકોની જરૂર પડે છે.
ગાડી આઈઝેનકોટ ઈઝરાયેલના પૂર્વ સેનાધ્યક્ષ છે અને નેતન્યાહૂના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ હરઝોગે તેમની વડાપ્રધાન તરીકેની દરખાસ્ત સ્વીકારી લીધી છે. શપથગ્રહણ સમારોહની તારીખ અને વિગતો પછીથી જાહેર કરવામાં આવશે.
આઈઝેનકોટે નક્કી કરેલી શરતો મુજબ, ઈઝરાયેલ લોકશાહી તરીકે ચાલશે અને 'યહૂદી રાષ્ટ્ર' તરીકેની ઓળખ જળવાઈ રહેશે. હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરાશે અને તેની સૈન્ય ક્ષમતાઓનો નાશ કરાશે. લશ્કરી ભરતીના નિયમોમાં સુધારો કરાશે જેથી દરેક નાગરિક માટે લશ્કરી સેવા ફરજિયાત બને. રાષ્ટ્રની સ્થાપના સમયે નાગરિકોના અધિકારો માટે નક્કી કરાયેલી આચારસંહિતાનું પાલન કરાશે.
આ શરતો પર સમજૂતી થયા બાદ અરબ પક્ષોના નેતાઓએ રાષ્ટ્રપતિ હરઝોગને પત્ર આપીને આઈઝેનકોટને સમર્થન જાહેર કર્યું. 'જોઈન્ટ લિસ્ટ'માં હદાશ, તાઅલ અને બાલાદ પક્ષોનો સમાવેશ થાય છે, જ્યારે રામ પક્ષે ચૂંટણી અલગ લડી હતી.