સત્ય. સાહસ. સંકલ્પ.

હિઝબુલ્લાહનો 20 વર્ષ જૂનો ભૂગર્ભ અડ્ડો ઈઝરાયલે નષ્ટ કર્યો, નેતન્યાહૂનો દાવો

હિઝબુલ્લાહનો 20 વર્ષ જૂનો ભૂગર્ભ અડ્ડો ઈઝરાયલે નષ્ટ કર્યો, નેતન્યાહૂનો દાવો

ઈઝરાયલે દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહના 'અલી અત-તાહેર' નામના વિશાળ ભૂગર્ભ અડ્ડાને નષ્ટ કર્યાનો દાવો કર્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે કહ્યું કે આ અડ્ડો નાબતિયા નજીક ઈઝરાયલના સુરક્ષા બફર ઝોનમાં આવેલો હતો અને તે 20 વર્ષથી વધુ સમયથી તૈયાર કરવામાં આવી રહ્યો હતો.

વડાપ્રધાન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે આ ભૂગર્ભ અડ્ડાનો ઉપયોગ ગાલીલ વિસ્તાર પર કબજો કરવા તેમજ મેતુલા અને કિર્યાત શમોના શહેરો પર નજર રાખવા અને હુમલા કરવા માટે મુખ્ય બેઝ તરીકે થવાનો હતો. ઈઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર આ સુવિધા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ હતી.

આ કાર્યવાહીમાં ઈરાન દ્વારા ફંડ કરાયેલા હથિયારોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું કે ઈરાન તરફથી આવતા હથિયારોનો જથ્થો હવે નષ્ટ થઈ ગયો છે. તેમણે અને કાત્ઝે સ્પષ્ટ કર્યું કે તેમની મંજૂરી બાદ જ સેનાએ આ કામગીરી પાર પાડી હતી.

જોકે, આ દાવા સંબંધિત કોઈ નક્કર પુરાવા કે તસવીરો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સ્વતંત્ર પુરાવાના અભાવે ઘણા નિષ્ણાતો આ દાવા પર સવાલો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ, આ મામલે હિઝબુલ્લાહ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

વિસ્ફોટ બાદ ઈઝરાયલી સેના દક્ષિણ લેબનાનના આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં લાગી ગઈ છે, જેથી દુશ્મન ફરીથી આ વિસ્તારમાં આવી ન શકે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી નેટવર્ક અને મુખ્યાલય પહાડીની નીચે બનાવવામાં આવ્યા હતા. દક્ષિણ લેબનાનનો આ વિસ્તાર લાંબા સમયથી વિવાદિત રહ્યો છે.